Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રેસ્ટોરન્ટ ઉદ્યોગને બેઠો કરવાનો પ્રયાસ

રેસ્ટોરન્ટમાં જમો અને અડધું જ બિલ ચુકવોઃ બાકીની રકમ સરકાર આપશે

લંડન,તા.૧: બ્રિટનમાં રેસ્ટોરન્ટમાં ખાવા પર હવે અડધું જ બિલ ચૂકવવું પડશે. બાકીનું બિલ સરકાર ચૂકવશે. સરકારે આ પગલું કોરોનાને પગલે પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને  ફરીથી પાટા પર ચઢાવવા માટે ઉઠાવ્યું છે. ચાન્સેલર ઋષિ સુનકની શરૂ કરવામાં આવેલી ચળવળ બહાર જમો જેનાથી લોકોની મદદ થાય પર ૫૩ હજારથી વધારે રેસ્ટોરન્ટ, કાફે અને અન્ય આઉટલેટ્સે હસ્તાક્ષર કરીને પોતાની સહમતિ આપી છે.

 કોરોનાને પગલે હોટલ ઇન્ડસ્ટ્રીઝ બરબાદ : ચાન્સેલર ઋષિ સુનકની આ યોજના રેસ્ટોરન્ટ ઉદ્યોગની મદદ કરવા માટે શરૂ કરવામાં આવી છે, જે કોરોનાને પગલે સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે. આ યોજના અંતર્ગત આખા ઓગસ્ટમાં સોમવારથી બુધવાર સુધી રેસ્ટોરન્ટમાં બેસીને જમનાર (ટેક હોમ પર લાગૂ નહીં થાય) ૫૦ ટકા છૂટ આપવામાં આવશે. વ્યકિત દીઠ મહત્ત્।મ ૧૦ પાઉન્ડ સુધી આ છૂટ આપવામાં આવશે. આ છૂટ ભોજન તેમજ કેફી ન હોય તેવા પીણા પર લાગૂ પડશે. આ યોજનાનો લાભ દિવસમાં ગમે એટલીવાર લઈ શકાય છે.

 પહેલી ઓગસ્ટથી યોજના શરૂ  : ઈટ આઉટ ટૂ હેલ્પ આઉટના સ્ટિકર અને પોસ્ટર આખા યૂકેની રેસ્ટોરન્ટ, કાફે અને અન્ય સ્થળો પર લગાવવામાં આવ્યા છે. આ યોજના પહેલી ઓગસ્ટથી શરૂ થઈ છે. આ તમામ લોકો અઠવાડિયે ગ્રાહકોને આપવામાં આવેલા ૫૦ ટકા છૂટની માંગણી સરકાર પાસેથી કરી શકશે.

 રેસ્ટોરન્ટ, બાર અને કાફેમાં ૧૦ લાખ લોકો કામ કરે છે : ચાન્સેલર સુનકનું કહેવું છે કે આપણા રેસ્ટરન્ટ, કાફે અને બાર અર્થવ્યવસ્થાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. જેનાથી ૧૦ લાખ લોકોને રોજગારી મળે છે. હાલ આ ક્ષેત્ર કોરોનાને કારણે ખૂબ જ પ્રભાવિત થયું છે. આથી જરૂરી છે કે સરકાર આ ક્ષેત્રને ઉગારવા માટે શકય તમામ મદદ કરે. 'ઇટ આઈટ ટૂ હેલ્પ આઉટ' યોજનાના માધ્યમથી રેસ્ટોરન્ટમાં વધારે ગ્રાહકોને લાવવાનો વિચાર છે. જેના કારણે વ્યવસાય શરૂ રહે તેમજ માલિકે તેમને ત્યાં કામ કરતા કર્મચારીઓની નોકરી ચાલુ રાખી શકે. ચાન્સેલરે કહ્યુ કે, આ વ્યવસાય સાથે જોડાયેલા ૫૩ હજાર લોકો પહેલા જ આના પર હસ્તાક્ષર કરી ચુકયા છે. આ રેસ્ટોરન્ટમાં કોવિડ ૧૯થી સુરક્ષા માટે તમામ તકેદારી રાખવામાં આવશે. જેમાં સેનિટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે સામેલ છે.

(3:43 pm IST)