Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

મોટર વ્હીકલ નિયમો થયા કડક

હેલ્મેટ કે સીટ બેલ્ટ વગર ૧ હજાર અને મોબાઈલ પર વાત કરશો તો ૧૦ હજારની પાવતી ફાટશે

શાંત વિસ્તારમાં હોર્ન વગાડવા પહેલી વખત ૧ હજાર અને બીજી વખત ૨ હજારનો દંડ : વાહનની ઝડપ પર પણ પોલીસની નજર રહેશે

લખનૌ : યુપી સરકાર હવે વાહન વ્યવહારના નિયમોનો ભંગ કરનાર કોઈને માફ નથી કરવાની. હવે જરાક પણ ભૂલ થઈ તો મર્યા સમજો. યુપી સરકારની આ સખ્તાઈ સામાન્ય માણસની સુરક્ષા અને વધી રહેલી રોડ અકસ્માતની ઘટનાઓને રોકવા માટે છે.

યુપી સરકારે વાહન વ્યવહારના નિયમોના પાલન બાબતે દંડની રકમ વધારવાનો જે નિર્ણય ગત દિવસોમાં કર્યો હતો તેની અધિસુચના જાહેર કરી હતી. હવે હેલ્મેટ વગર અને સીટ બેલ્ટ ન લગાવ્યો હોય તો એક હજાર રૂપિયા અને ડ્રાઈવીંગ દરમિાન મોબાઈલ પર વાત કરતા પકડાયા તો ૧૦ હજારનું ચલણ ટ્રાફીક પોલીસ પકડાવી દેશે.

જો રેસમાં ભાગ લેવો હોય તો પહેલા સરકારી પરવાનગી લેવી પડશે. પરવાનગી વગર ભાગ લીધો તો ૧૦ હજારનો દંડ થશે. સસ્પેન્ડ કરાયેલ અથવા રજીસ્ટ્રેશન વગરનું વાહન ચલાવનારને પહેલી વાર પાંચ હજાર અને બીજી વાર દસ હજાર  દંડ થશે. શાંત વિસ્તારમાં હોર્ન વગાડવા માટે પહેલી વાર એક હજાર અને બીજી વાર પકડાય તો બે હજાર દંડ થશે.

બોગસ દસ્તાવેજો બનાવીને વાહન વેચવા પર દરેક વાહન દીઠ એક લાખનો દંડ થશે. વાહનની ઝડપ પર પણ ટ્રાફીક  પોલીસની નજર રહેશે. નક્કી કરેલી સ્પીડ લીમીટથી વધારે ગતિએ કાર ચલાવવા પર બે હજાર રૂપિયા અને વાહન જો પ્રવાસી કે માલવાહક હોય ચાર હજારનો દંડ થશે.

(3:38 pm IST)