Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

પાંચ વર્ષમાં પહેલીવાર જુલાઇમાં સૌથી ઓછો વરસાદ

ચોમાસાનું જુનમાં આગમન ટનાટન રહ્યું પણ જુલાઇમાં મેઘરાજા રિસાઇ જતાં ચિંતા : જુલાઇમાં દર વર્ષની સરેરાશથી ઓછો વરસાદ પડતા ખરીફ પાક ઉપર ચિંતાના વાદળો : અનેક રાજ્યોમાં જુલાઇમાં વરસાદની ઘટ : હવે ઓગસ્ટ ઉપર આધાર

નવી દિલ્હી તા. ૧ : પાંચ વર્ષમાં પહેલીવાર આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે જુનથી સપ્ટેમ્બર વચ્ચે જુલાઇનો મહિનો સૌથી વધુ વરસાદવાળો હોય છે પણ આ વર્ષે ઓછો વરસાદ પડતા ખરીફ પાકને લઇને ચિંતા વધી છે. ખાસ કરીને મધ્યપ્રદેશ, ગુજરાત અને ઓડિશા માટે.

 

જો ઓગસ્ટમાં પણ ૯૭ ટકા વરસાદના અનુમાનથી વિપરીત ઓછો વરસાદ પડશે તો તેની અસર કઠોળ અને દાળના પાક પર પડશે. જે વધુ વરસાદવાળા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. દેશમાં જુલાઇ દરમિયન ૨૮૫.૩ મીમી વરસાદના સરેરાશથી ૯૦ ટકા લોંગ પીરીયડ ઓફ એવરેજ વરસાદ થયો. હવામાન ખાતાએ ૧૦૩ ટકા વરસાદનું અનુમાન આપ્યું હતું.

દક્ષિણના રાજ્યોને બાદ કરતા દેશના અન્ય બધા વિસ્તારમાં જુનની સરખામણીમાં જુલાઇમાં ઓછો વરસાદ પડયો છે. ઓગષ્ટ મહત્વનો છે કારણ કે હવામાન ખાતાએ જારી કરેલા અપડેટમાં આ મહિના માટે પોતાની ભવિષ્યવાણી બદલી નથી. હવામાન ખાતાએ કહ્યું છે કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર બંને માટે ૧૦૪ ટકા વરસાદ પડશે.

સત્તાવાર ડેટા મુજબ જુન - જુલાઇ વચ્ચે ચોમાસુ સામાન્ય હતું. જે જુનમાં ૧૧૮ ટકા હતું. ચોમાસાના શુકનવંતા સારા પ્રારંભ અને જુનમાં સામાન્ય કરતા ૧૮ ટકા વધુ વરસાદ પડતા ખરીફ પાકની વાવણી સારી થઇ હતી. ખરીફ પાકની ઉપજ ૧૦૬.૬૪ મિલીયન હેકટરમાં છે જે સામાન્ય ક્ષેત્રના ૮૩ ટકા છે.

હવે કઠોળની વાવણી સામાન્ય સ્તર નજીક પહોંચી છે તો કપાસ અને શેરડી પોતાના સામાન્ય માપદંડના સ્તરને પાર કરી ચૂકયા છે.

રાજસ્થાન, કેરળ, હિમાચલ, જમ્મુ - કાશ્મીર જેવા મહત્વના રાજ્યો જ્યાં હજુ વરસાદની ઘટ છે.

(10:51 am IST)