Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

ચૂંટણી પાછી ઠેલવવાની ટ્રમ્પની ઈચ્છા ઉપર પાણી ફરી વળ્યું

તેમની જ પાટીના કેટલાક સાંસદોએ વિરોધ કર્યો : પોતાની મુરાદ પુરી ન થતાં હવે ટ્રમ્પે કહ્યું કે ચૂંટણી ટાળવા માગતા નથી પરંતુ બોગસ મતદાનથી બચવા માગે છે

વોશિંગ્ટન, તા. ૩૧ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવેમ્બરમાં આયોજિત ચૂંટણીને ટાળવાની મનોકામના પૂર્ણ થઈ નથી. પહેલાં ચૂંટણી પંચ અને તે પછી તેમની જ પાર્ટીએ ટ્રમ્પની ઈચ્છાની વિરુદ્ધ મત વ્યક્ત કર્યો છે. રિપબ્લિકન પાર્ટીના કેટલાક સિનિયર નેતાઓએ કહ્યું કે ટ્રમ્પ પાસે ચૂંટણી ટાળવાનો અધિકાર નથી. હવે ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ચૂંટણી ટાળવા માંગતા નથી પરંતુ બોગસ મતદાનથી બચવા માગે છે.

ટ્રમ્પે ગુરવારે સૂચન કર્યું હતું કે ૨૦૨૦માં આયોજિત થનારી ચૂંટણી ટાળી દેવી જોઇએ. તેમણે કહ્યું હતું કે કોરોના મહામારીના લીધે ચૂંટણીમાં મેલ-ઇન-બેલેટથી વોટિંગ થાય છે. આવું થશે તો અમેરિકાના ઇતિહાસની બોગસ ચૂંટણી સાબિત થશે. તે અમેરિકા માટે અત્યંત શરમજનક બાબત હશે. અમેરિકામાં તાજેતરમાં થયેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે ૭૧ ટકા મતદારો મેલ ઇન બેલેટના પક્ષમાં છે. આ સર્વે હાર્વર્ડના સેન્ટર ફોર અમેરિકન પોલિટિકલ સ્ટડીઝ દ્વારા કરવામા આવ્યો હતો. તેમાં જણાવવામા આવ્યું હતું કે ૮૮ ટકા ડેમોક્રેટ્સ અને ૫૦ ટકા રિપબ્લિકન પણ આ વોટિંગના પક્ષમાં છે.

અમેરિકાના બધારણની જોગવાઇ પ્રમાણે રાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખ બદલવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે નથી. તેના માટે ટ્રમ્પને સંસદના બન્ને સદન હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ અને સીનેટમાંથી બિલ પસાર કરાવવું પડશે. સીનેટમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની બહુમતિ છે પરંતુ નિચલા સદનમાં ડેમોક્રેટિક પાર્ટી પાસે બહુમતિ છે. જોકે બન્ને સદનમાં બિલ પાસ થઇ જાય તો પણ ટ્રમ્પ લાંબા સમય સુધી ચૂંટણી ટાળી નહીં શકે. અમેરિકાના બંધારણના ૨૦માં સુધારા પ્રમાણે ૨૦ જાન્યુઆરી સુધી કોઇ પણ ભોગે ચૂંટણી કરાવવી જ પડશે.

(12:00 am IST)