Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

અર્થતંત્રની ગાડી આડા પાટેઃ મંદીની ટ્રેન આવી રહી છે

રાહુલ ગાંધીનો સનસનીખેજ આરોપઃ વ્યકત કરી ચિંતા

નવી દિલ્હી, તા. ૨ :. દેશની ડામાડોળ અર્થવ્યવસ્થા બાબતે ચિંતીત કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોટી પર શાબ્દિક હુમલો કર્યો છે. ગઈકાલે તેમણે સોશ્યલ મીડીયા દ્વારા કહ્યું કે વડાપ્રધાન શ્રી, ભારતીય અર્થવ્યવસ્થાની ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે અને મંદીની ટ્રેન આવી રહી છે. ગાંધીએ એક મીડીયા રીપોર્ટ જેમાં અર્થવ્યવસ્થાની ચાલ એકદમ મંદ થઈ ગઈ હોવાનું કહેવાયું છે તેને શેર કરતા કહ્યું હતું.

 

રાહુલે અંગ્રેજીમાં ટ્વીટ કર્યુ હતું, 'પ્રધાનમંત્રીજી, અર્થવ્યવસ્થાની ગાડી પાટા પરથી ઉતરી ચુકી છે અને સુરંગમાં દૂર દૂર સુધી કોઈ પ્રકાશ નથી દેખાતો. જો આપના અસમર્થ નાણા પ્રધાન તમને એમ કહેતા હોય કે પ્રકાશ છે તો મારા પર વિશ્વાસ રાખજો કે તે પ્રકાશ ફુલ સ્પીડે આવી રહેલી મંદીની ટ્રેનની છે.

રાહુલે આ પહેલા જીએસટી બાબતે કેગના પહેલા રિપોર્ટનો સંદર્ભ આપતા મોદી સરકારને ઘેરી હતી. બુધવારે તેમણે ટ્વીટ કરીને કહ્યુ હતુ - નોટબંધી અને જીએસટી જેવા ઉદાહરણો સ્પષ્ટ દર્શાવે છે કે મોદી સરકાર અયોગ્ય છે અને તેનામાં ગંભીરતાનો અભાવ છે.

માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના મહાસચિવ સીતારામ યેચુરીનો આક્ષેપ છે કે મોદી સરકારની આર્થિક નીતિઓથી ખેડૂતો, નાના વેપારીઓ અને ધંધાર્થીઓ બરબાદ થઈ ગયા છે. તેમણે કહ્યુ કે દેશની અર્થવ્યવસ્થા ઘેરા સંકટમાં છે, ત્યારે સરકાર તેના જવાબમાં ખોટુ બોલવાનું, ધમકીઓ આપવાનું અને આંકડામાં હેરફેર કરવાનું કાર્ય કરી રહી છે, લોકો લુંટાઈ રહ્યા છે. જીંદગીઓ બરબાદ થઈ રહી છે અને કમાવાનું મુશ્કેલી બની ગયુ છે. ત્યારે સરકાર લોકોને ધાર્મિક મુદ્દાઓ તરફવાળી રહી છે. ખેડૂતોને બરબાદ કરો, નાના વેપારીઓને બરબાદ કરો, ધંધાર્થીઓને, વેપારને બરબાદ કરો, સમાજના બધા લોકો માટે હેરાનગતિ ઉભી કરો, ૨૦૧૪ પછીથી સરકારની આર્થિક નીતિઓનો આજ ઉદ્દેશ હોય તેવુ લાગી રહ્યુ છે.

(10:07 am IST)