Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

મહારાષ્‍ટ્રમાં નવી સરકાર એટલે ‘ઇડી સરકાર' બનીઃ કોંગ્રેસના પ્રહારોઃ હવે નવી સરકારમાં શિવસેનાના બળવાખોર છાવણીના કેટલાક નેતાઓને પણ તપાસનો સામનો કરવો પડશે

એજન્‍સીઓને કાર્યવાહીને રાજકીય પ્રેરીત ગણાવતા ઠાકરે અને એમવીએના નેતાઓ

મુંબઇઃ મહા વિકાસ અઘાડી (MVA)ના બે નેતાઓસંજય રાઉત અને શરદ પવાર વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા લેવામાં આવેલા પગલાં અત્યાર સુધી સમાચારોમાં રહ્યા છે. બંને દિગ્ગજ નેતાઓ સામે EDની કાર્યવાહી એવા સમયે થઈ રહી છે જ્યારે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો છે.

સંજય રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી સમન્સ જારી કરવામાં આવ્યું હતું જેમાં તેઓ 1 જુલાઈ શુક્રવારના રોજ હાજર રહ્યાં હતા. બીજી બાજુ ગુરુવારે આવકવેરા વિભાગે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવારને 2004, 2009, 2014 અને 2020 માં તેમના ચૂંટણી એફિડેવિટ્સના સંદર્ભમાં નોટિસ આપી હતી.

રાઉત અને પવાર સામે ભરવામાં આવેલા પગલા એમવીએ નેતાઓ પર લગામ લગાવવા માટે કેન્દ્રીય એજન્સીઓની એક ચાલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઠાકરે અને કેટલાક MVA નેતાઓએ એજન્સીઓની કાર્યવાહીને રાજકીય રીતે પ્રેરિત ગણાવી ટીકા કરી છે.

કોંગ્રેસે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસનો ઉલ્લેખ કરીને ગુરુવારે શપથ લેનાર નવી મહારાષ્ટ્ર સરકારને “ED સરકારગણાવી હતી. શરદ પવાર, રાઉત, નવાબ મલિક અને અજિત પવાર જેવા દિગ્ગજ નેતાઓ ઉપરાંત, હવે નવી ભાજપ-શિંદે સરકારમાં શિવસેનાના બળવાખોર છાવણીના કેટલાક નેતાઓ પણ આવા કેસોનો સામનો કરી રહ્યા છે.

ઓછામાં ઓછા બે બળવાખોર ધારાસભ્યો પ્રતાપ સરનાઈક અને સાંસદ ભાવના ગવલી લોકોમાં સામેલ છે જેમની ED દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં બળવાખોર ધારાસભ્ય યામિની જાધવના પતિની મિલકતો વર્ષની શરૂઆતમાં આવકવેરા વિભાગ દ્વારા અસ્થાયી રૂપે અટેચ કરવામાં આવી હતી.

1. સંજય રાઉત

EDનો દાવો છે કે સંજય રાઉતના નજીકના સાથી પ્રવીણ રાઉત અને ગુરુ આશિષ કન્સ્ટ્રક્શનના અન્ય ડિરેક્ટરોએ સિદ્ધાર્થ નગરના પુનર્વિકાસમાં મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીને ગેરમાર્ગે દોર્યા હતા, જેને પાત્રા ચાલ તરીકે ઓળખવામાં આવે છે.

EDનો આરોપ છે કે 2010માં સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને 83 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પૈસા તેણે દાદરમાં ફ્લેટ ખરીદવા માટે વાપર્યા હતા. ED વર્ષની શરૂઆતમાં રૂ. 1,034 કરોડના પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં રાઉત સાથે જોડાયેલી મિલકતો જપ્ત કરી હતી.

2. નવાબ મલિક

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિક પર દેવેન્દ્ર ફડણવીસે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિક પર ગેરકાયદેસર જમીન સોદાનો આરોપ મૂક્યો હતો. ત્રણ મહિના પછી ED ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં 23 ફેબ્રુઆરીએ તેમની ધરપકડ કરી હતી. ED જમીન સોદાની તપાસ કરી રહી છે જેમાં નવાબ મલિકે ઈબ્રાહિમની સ્વર્ગસ્થ બહેન હસીના પારકરના કથિત ફ્રન્ટમેન સલીમ પટેલ પાસેથી રૂ. 50 લાખમાં રૂ. 3.3 કરોડની મિલકત ખરીદી હતી.

ED આરોપ મૂક્યો હતો કે, “સંપત્તિ એક ગેરકાયદેસર સત્તાવાળાઓના માધ્યમ થકી પાવર ઓફ એટર્ની દ્વારા ખરીદવામાં આવી હતી,” તે ઉપરાંત ઈડીએ ઉમેર્યું હતું કે મિલકતના મૂળ માલિકો વ્યવહાર વિશે જાણતા હતા અને તેમના હિસ્સા માટે ચૂકવણી કરવામાં આવી હતી.

3. અજિત પવાર

2021માં ED મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સતારા જિલ્લામાં સુગર મિલની રૂ. 65.75 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. ED આરોપ મૂક્યો છે કે સહકારી મિલ ખરીદવા માટે વપરાયેલ નાણાં અન્ય ખાંડ મિલ દ્વારા મોકલવામાં આવ્યા હતા, જેના બદલામાં સ્પાર્કલિંગ સોઇલ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી નાણાં મેળવ્યા હતા. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને પત્ની સુનેત્રા બહુમતી શેરધારકો છે.

4. અનિલ દેશમુખ

નવેમ્બર 2021માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચાર અને લાંચના આરોપો પર ધરપકડ કરી હતી. કેસ 20 માર્ચ, 2021નો છે, જ્યારે પરમ બીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે દેશમુખે વસૂલી માટે તેમના પદનો દુરુપયોગ કર્યો હતો.

ED તેની તપાસ દરમિયાન અહેવાલમાં જાણવા મળ્યું છે કે દેશમુખે ગૃહ પ્રધાન તરીકે સેવા આપતા ડિસેમ્બર 2020થી ફેબ્રુઆરી 2021 વચ્ચેવિવિધ ઓર્કેસ્ટ્રા બારના માલિકો પાસેથી આશરે રૂ. 4.7 કરોડ રોકડગેરકાયદેસર રીતે મેળવ્યા હતા.

એજન્સીના જણાવ્યા અનુસાર, પૈસા શેલ કંપનીઓ દ્વારા મોકલવામાં આવ્યા હતા અને અંતે શ્રી સાંઈ શિક્ષણ સંસ્થાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જે કથિત રીતે દેશમુખ પરિવારનું ટ્રસ્ટ હતું.

5. યશવંત જાધવ

મે મહિનામાં ED શિવસેનાના નેતા અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની સ્થાયી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ યશવંત જાધવને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના કથિત ઉલ્લંઘનના સંદર્ભમાં સમન્સ જારી કર્યા હતા. જાધવની પત્ની શિવસેનાના બળવાખોર જૂથનો હિસ્સો છે. આવકવેરા અધિકારીઓએ વર્ષની શરૂઆતમાં કરચોરીના આરોપસર બાંદ્રામાં જાધવ પરિવારનો એક ફ્લેટ અને તેમની સાથે સંકળાયેલી લગભગ 40 મિલકતો અસ્થાયી રૂપે અટેચ કરી હતી.

6. ભાવના ગવલી

શિવસેનાના સાંસદ અને બળવાખોર ભાવના ગવલી એનજીઓ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDના રડાર પર છે. ED 2021માં ગવલીના ધરપકડ કરાયેલા સહયોગી સઈદ ખાનની 3 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી. ‘મહિલા ઉત્કર્ષ પ્રતિષ્ઠાનનામના ટ્રસ્ટમાંથી ભંડોળનો દુરુપયોગ કરવાના આરોપમાં ED સપ્ટેમ્બર 2021માં ખાનની ધરપકડ કરી હતી.

એજન્સીએ કહ્યું છે કે ગવલીએ આશરે રૂ. 18 કરોડની ગેરરીતિ કરીનેબનાવટી અને છેતરપિંડીદ્વારા ખાન દ્વારા ટ્રસ્ટને ખાનગી કંપનીમાં ફેરવવાનું ગુનાહિત કાવતરું ઘડ્યું હતું.

7. અર્જુનરાવ પંડિતરાવ ખોતકરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વર્ષની શરૂઆતમાં મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેંક (MSCB)માં રૂ. 25,000 કરોડની ગેરરીતિઓના સંબંધમાં શિવસેનાના નેતા અને ઉદ્ધવ ઠાકરેના સહયોગી અર્જુન ખોટકરની રૂ. 78 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. ખોટકરની એક સુગર ફેક્ટરી કથિત રીતે MSCB પાસેથી લોનની ચુકવણી કરવામાં નિષ્ફળ ગઈ હતી. પેઢીની સ્થાપના 235 એકર જમીન પર કરવામાં આવી હતી અને તેમાંથી 100 એકર જમીન કોઈપણ નાણાકીય વ્યવહાર વિના હસ્તગત કરવામાં આવી હતી.

8. એકનાથ ખડસે

ED 2021માં NCP નેતા એકનાથ ખડસે, તેમની પત્ની મંદાકિની ખડસે અને તેમના જમાઈ ગિરીશ ચૌધરીની 5.73 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. પુણેના ભોસરી ગામમાં ખડસે અને તેમના જમાઈ પાસેથી રૂ. 3.75 કરોડમાં જમીન ખરીદવાના કેસની તપાસ ચાલી રહી છે, જ્યારે તેની વાસ્તવિક કિંમત રૂ. 31 કરોડથી વધુ હતી. ખડસેએ 2020માં ભાજપમાંથી NCPમાં પ્રવેશ કર્યો હતો.

09. અનિલ ભોસલે

ED NCP નેતા અનિલ ભોસલેની માર્ચ 2021માં પુણે સ્થિત કોઓપરેટિવ બેંક ફ્રોડ કેસમાં ધરપકડ કરી હતી. એજન્સીનો આરોપ છે કે ભોસલે, જે શિવાજીરાવ ભોસલે કો-ઓપરેટિવ બેંક લિમિટેડના ડિરેક્ટર હતા, તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને સહ-આરોપીઓ સાથે કાવતરું ઘડ્યું અને બેંકમાંથી પૈસા નિકાળી લીધા.

 

 

 

 

(5:32 pm IST)