Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

વરસાદી માહોલ વચ્‍ચે લગ્નસરાની રોનક ફિક્કીઃ ચાલુ સિઝનમાં માત્ર ૬ મુહૂર્ત બાકી

અઠવાડિયાના વિરામ બાદ ૩ થી ૮ જુલાઈ વચ્‍ચે ફરી મુહૂર્ત : ૧૦ જુલાઈએ દેવપોઢી એકાદશી સાથે જ લગ્નસરાની ચાલુ સિઝન પૂરી થશે

મુંબઇ, તા.૨: સુરત સહિત દક્ષિણ ગુજરાતમા ચાર મહિનાથી જોવા મળતી લગ્નસરાની રોનક વરસાદી માહોલ વચ્‍ચે ફિક્કી પડી ગઇ છે. ગત એપ્રિલ માસ પછી લગ્નસરાની ધૂમ વચ્‍ચે શહેરમાં સંખ્‍યાબંધ લગ્ન સમારોહ યોજાયા હતા. જોકે, હવે વરસાદી માહોલ વચ્‍ચે લગ્ન આયોજનોની સંખ્‍યા ઘટવાની સાથે જ ચાલુ સિઝનમાં હવે માત્ર ૬ મૂહર્ત જ બાકી રહ્યા છે. ગત ર૪ જૂનના રોજ મૂહર્ત બાદ અઠવાડિયાનો વિરામ પડયો હતો. જ્‍યારે આગામી ૩થી ૮ જુલાઇ વચ્‍ચે ફરી ૬ મૂહર્ત છે. ૧૦ જુલાઇએ દેવપોઢી એકાદશી સાથે જ લગ્નસરાની ચાલુ સિઝન પૂરી થશે.
નોધનીય છે કે, કોરોનાના બે વર્ષ પછી લગ્નસરાની ચાલુ સિઝનમાં ભવ્‍ય આયોજનો સાથે લગ્નોની ધૂમ જોવા મળી હતી. એપ્રિલ માસમાં ૧૫થી રપ એપ્રિલ વચ્‍ચે ૮ મૂહર્ત, મે માસમાં ૪થી ૨૭ મે વચ્‍ચે ૧૪ મૂહર્ત અને જૂન માસમાં ૧થી ૨૪ જૂન વચ્‍ચે ૯ લગ્ન મૂહર્ત હોય શહેરમાં ઠેરઠેર આયોજનો સાથે લગ્નની શહેનાઇઓ ગૂંજી હતી. જોકે, હવે વરસાદી વાતાવરણ અને તેમાં પણ લગ્નસરાની ચાલુ સિઝનના અંતિમ દિવસો ચાલી રહ્યા હોય લગ્નની ઝાકમઝોળ ઘટી છે. હવે લગ્નસરાની ચાલુ સિઝનમાં ૩, ૪, પ. ૬ ૭ અને ૮ જુલાઈ એમ સળંગ ૬ સુધી લગ્નના મૂહર્ત છે

બે વર્ષની તુલનાએ ત્રણ મહિનામાં લગ્નસરાની ધૂમ
કોરોના મહામારીને પગલે લગ્નસરાની પાછલી બે સિઝન ધોવાઇ ગઇ હતી. ઇવેન્‍ટ મેનેજમેન્‍ટ ઇન્‍ડસ્‍ટ્રી, કેટરીંગ ઇન્‍ડસ્‍ટ્રીને કરોડોનો ફટકો પડ્‍યો હતો. તે સામે છેલ્લા ત્રણ મહિનામાં લગ્નસરાની ધૂમ છવાઇ હોવાનો મત અપાઇ રહ્યો છે. લગ્ન આયોજનો અને ઇવેન્‍ટ મેનેજમેન્‍ટ સાથે સંકળાયેલા એક આયોજકે જણાવ્‍યું હતું કે, એપ્રિલથી જુન માસ બે વર્ષની તુલનાએ ત્રણ મહિનામાં લગ્નસરાની ધૂમ દરમિયાન કોરોના નિયંત્રણો સપર્ણ દૂર થવાની સાથે જ લગ્ન આયોજનોની રોનક ફરી દેખાઇ હતી. પાછલા બે વર્ષમાં મર્યાદિત મહેમાનોની હાજરી, રાત્રી કરફયુ સહિતના  નિયંત્રણોને કારણે સંખ્‍યાબંધ આયોજનો અટવાઇ ગયા હતા. વર-કન્‍યા પક્ષે મર્યાદિત બજેટમાં લગ્નના આયોજન કર્યા હતા. તે સામે છેલ્લા ત્રણ મહિનામાં રોનક ફરી દેખાતા લગ્ન આયોજનો સાથે સંકળાયેલા ઉદ્યોગોને ઓક્‍સિજન મળી ગયું છે.

 

(12:57 pm IST)