Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

અદાણી દુનિયાના ધનિકોમાં ૨૩મા, એશિયામાં ચોથા ક્રમે

અદાણીની નેટવર્થમાં ૨.૨૯ અબજ ડોલરનો ઘટાડો : પાછલા ૧૮ દિવસમાં નેટવર્થમાં ૧૯.૬ અબજ ડોલર એટલે કે લગભગ ૧,૪૬,૨૫૬ કરોડનો ઘટાડો નોંધાયો

મુંબઈ, તા. ૨  : ગુરુવારના રોજ પણ અદાણી ગ્રુપની મોટાભાગની કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો. બ્લૂમબર્ગ ઈન્ડેક્સ અનુસાર શેરમાં ઘટાડો થવાને કારણે ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં ૨.૨૯ અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. અદાણીની નેટવર્થ હવે ૫૭.૪ અબજ ડોલર થઈ ગઈ છે. આ સાથે જ તે દુનિયાના ધનીકોની યાદીમાં ૨૩માં ક્રમાંકે પહોંચી ગયા છે. પાછલા ચાર દિવસમાં અદાણી આ યાદીમાં આઠ સ્થાન નીચે આવી ગયા છે.

અદાણીની નેટવર્થ ૧૪ જૂનના રોજ ૭૭ અબજ ડોલર પહોંચી ગઈ હતી અને તે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ક્રમ માટે જોખમી બની ગયા હતા. પરંતુ ૧૪ જૂનના રોજ આવેલા એક મીડિયા રિપોર્ટ પછી અદાણી ગ્રુપના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આનાથી અદાણીની નેટવર્થને પણ ઘણું નુકસાન થયું છે. પાછલા ૧૮ દિવસમાં તેમની નેટવર્થમાં ૧૯.૬ અબજ ડોલર એટલે કે લગભગ ૧,૪૬,૨૫૬ કરોડ રુપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

થોડા દિવસ પહેલા સુધી અદાણી એશિયામાં નંબર વન બનવાની તૈયારીમાં હતા, પરંતુ હવે તે ચોથા ક્રમાંકે પહોંચી ગયા છે. રિલયાન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી ૭૯.૪ અબજ ડોલરની નેટવર્થ સાથે એશિયામાં નંબર વન છે. ચીનના ઝોંગ શૈનશૈન ૬૬.૬ અબજ ડૉલર સાથે બીજા અને મા હુઆતેંગ ૫૮.૬ અબજ ડૉલરની નેટવર્થ સથા ત્રીજા ક્રમાંકે છે.

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની વાત કરીએ તો બ્લૂમબર્ગ બિલેનિયોર ઈન્ડેક્સમાં તેઓ ૧૨મા સ્થાને આવી ગયા છે. ગુરુવારના રોજ તેમની નેટવર્થમાં ૬૫.૮ કરોડ ડોલરનો ઘટાડો નોંધાયો છે. તે ૭૯.૪ અબજ ડોલરની નેટવર્થ સાથે એશિયામાં પહેલા સ્થાને છે.

(7:30 pm IST)