Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ટિપ્સના માલિક રમેશ તૌરાની ગુલશન હત્યા કેસમાં નિર્દોષ

ગુલશન કુમારની અંધેરીમાં મંદિરની બહાર હત્યા થઈ હતી : ફિલ્મમેકર રમેશ તૌરાનીને બધા આરોપોમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા, થોડા સમય માટે જેલમાં પણ રહેવું પડ્યું

મુંબઈ, તા. ૨ : ટી-સીરિઝના માલિક ગુલશન કુમારની હત્યાના કેસમાં ફસાયેલા મ્યુઝિક લેબલ ટિપ્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલિક અને જાણીતા ફિલ્મમેકર રમેશ તૌરાનીને તમામ આરોપોમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. રમેશ તૌરાનીએ જણાવ્યું કે, મારા પરિવાર માટે તેનાથી વધારે ખરાબ કંઈ ના હોઈ શકે કે મારું નામ મર્ડર કેસમાં લેવામાં આવે. મારા પર જાતજાતના આરોપ મુકવામાં આવ્યા પરંતુ હવે સત્ય દરેકની સામે છે.

રમેશ તૌરાનીએ આગળ જણાવ્યું કે, કોર્ટનો ચુકાદો આવ્યા પછી મને ઘણો સારો અનુભવ થઈ રહ્યો છે. આ એક લાંબી લડાઈ હતી. પરંતુ કહેવાય છે કે જીત હંમેશા સત્યની થાય છે. મને હંમેશાથી ભારતની ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ હતો અને આ ચુકાદાએ મારો વિશ્વાસ વધારે દ્રઢ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગુલશન કુમાર હત્યાકાંડમાં રમેશ તૌરાની આરોપી હતા અને તેમણે લાંબો સમય જેલમાં પણ પસાર કરવો પડ્યો હતો.

ગુલશન કુમારને કેસેટ કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ ૧૯૯૭માં મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને ઘણો મોટો ઝાટકો લાગ્યો હતો જ્યારે મુંબઈના અંધેરી સ્થિત એક મંદિરની બહાર ગુલશન કુમાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

પ્રોસિક્યુશનના મત અનુસાર ગુલશન કુમારને મારી નાખવા માટે ગેંગસ્ટર અબુ સાલેમને પૈસા આપવામાં આવ્યા હતા. જસ્ટિસ એસ એસ જાધવ અને જસ્ટિસ એન આર બોરકરની પીઠે આ કેસના એક અન્ય આરોપી રઉફના ભાઈ અબ્દુલ રાશિદ મર્ચન્ટને ઉંમરકેદની સજા સંભળાવી છે.

(7:29 pm IST)