Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

પતિને ઊંઘની ગોળી પિવડાવી નવવધૂ રોકડ-ઘરેણાં લઈ ફરાર

યૂપીના કાનપુરમાં નવવધૂનું ચોંકાવનારું કારસ્તાન : દૂઘ પિધા બાદ પતિ સુઈ ગયો અને સવારે ઊઠીને જોયું તો નવવધૂ ૨૫ હજાર રોકડા, ૩ લાખના દાગીના લઈ છૂમંતર

કાનપુર, તા. ૨ : ઉત્તર પ્રદેશના કાનપુરમાં નવી નવેલી દુલ્હનની ચોંકાવનારી હરકત પ્રકાશમાં આવી છે. જેને સાંભળીને આખું ગામ ચોંકી ગયું હતું. દુલ્હને સુહાગરાતે એવું કર્યું કે પતિના હોશ ઉડી ગયા હતા. સુહાગરાતમાં દુલ્હનને પતિને દૂધમાં ઊંઘની ગોળી પીવડાવી દીધી હતી. પતિ દૂધ પીધા બાદ ગાઢ નિંદ્રામાં પોંઢી ગયો હતો. જ્યારે તેની આંખ ખુલી તો રૂમની તીજોરીનો સામાન વિખેરાયેલો પડ્યો હતો. નવવિવાહિતા ૨૫,૦૦૦ રૂપિયા રોકડા અને લગભગ ત્રણ લાખના ઘરેણાં લઈને રફૂચક્કર થઈ ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે રસૂલાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નિવાદા ગામમાં રહેનારા ધીરજ સિંહ ઉર્ફે નવાબ પિતાની સાથે ખેતી કામ કરે છે. ધીરજસિંહના લગ્ન મુંડરવા તાલુકાના એક ગામમાં ખેડૂતની પુત્રી સાથે નક્કી થયા હતા. ધીરજ સિંહ ૨૫ જૂને જાન લઈને ગયો હતો. અને ૨૭ જૂને દુલ્હનને વિદાય થઈ હતી. નવવિવાહિતા સુહાગરાતે જ રોકડા અને દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી.

સુહાગરાતના સપનાં જોતા પતિને જ્યારે પત્નીએ દૂધનો ગ્લાસ હાથમાં આપ્યો ત્યારે તેને નહોતી ખબર કે જેને પોતાની પત્ની માનીને પ્રેમ સમજી રહ્યો છે તે યુવતી મોટો કાંડ કરવાની તૈયારી કરી રહી છે. ઊંઘની ગોળીની અસરના કારણે પતિની ઊંઘ સીધી બીજી દિવસે સવારે લગભગ ચાર વાગ્યે ખુલી તો તેણે જોયું કે રૂમમાં સામાન વિખેરાયેલો પડ્યો છે. તીજોરી ખુલેલી હતી. તેની પત્ની પણ ગાયબ હતી. માનવામાં આવી રહ્યું છે કે તીજોરીમાં રાખેલા અડધા દાગીના મોટી બહેનના પણ હતા

ધીરજ અને તેનો પરિવાર નવવિવાહિતની શોધમાં લાગ્યા હતા. નવવિવાહિતાનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. ધીરજે પત્નીના માતા-પિતાનો સંપર્ક કર્યો તો તેમણે આ અંગે જાણ ન હોવાનું જણાવી દીધું હતું. ધીરજનું કહેવું છે કે મંગળવારે રાત્રે અલગ અલગ નંબરોથી બે કોલ આવ્યા હતા.

કોલ ઉપર રહેલા વ્યક્તિએ પોતાને પત્નીના મામા ગણાવ્યા હતા. લાંબી વાતચીત કરીને હાલચાલ પૂછ્યા હતા. ત્યારબાદ પત્ની દૂધ લઈને આવી હતી. અને તેણે દૂધ પીધું હતું. પીડિત પરિવાર નવવિવાહિતાની શોધ કરતો રહ્યો પરંતુ તેનો કોઈ જ પત્તો લાગ્યો નથી. પીડિત પરિવારે રસૂલાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(7:28 pm IST)