Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

કોરોના : ૭૧ જિલ્લાઓમાં ઓછામાં ઓછા ૧૪ દિવસ માટે આકરા પાયે પ્રતિબંધો લાદવા રાજ્યોને કેન્દ્રની તાકીદ: જ્યાં સૌથી વધુ કોરોના કેસ છે તેવા ૬ રાજ્યોમાં મલ્ટી ડિસિપ્લિનરી ટિમો કેન્દ્રએ મોકલી

નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કેન્દ્રએ રાજ્યોને એવા જિલ્લાઓને શોધી કાઢવા કહ્યું છે કે જ્યાં સાપ્તાહિક પોઝિટિવિટી દર ૧૦% કરતા વધારે હોય અથવા ૬૦% થી વધુ બેડ કોરોના દર્દીથી ભરેલ હોય, ત્યાં ઓછામાં ઓછા ૧૪ દિવસ કોવિડ -19 ચેપના સંક્રમણની સાંકળ તોડવા માટે અતિ આકરા પ્રતિબંધો લાદવા. આરોગ્ય મંત્રાલયે નોંધ્યું છે કે, દેશમાં એવા ૭૧ જિલ્લા છે જ્યાં પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી પણ વધુ છે.

આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે ગયા સપ્તાહની તુલનામાં દેશમાં કોવિડ -19 કેસોમાં ૧૩% નો ઘટાડો જોવા મળ્યો છે.  તેમણે ઉમેર્યું કે દેશમાં સરેરાશ આપણે ત્યાં ૪૬,૦૦૦ કેસ (દૈનિક) નોંધાય છે.

કોરોના ટોચ ઉપર હતો ત્યારે નોંધાતા  પોઝીટિવ કિસ્સાઓમાં હવે ૮૬% નો ઘટાડો થયો છે.  રિકવરી રેટ ત્યારે ૮૧.૧ % હતો, તે હવે લગભગ ૯૭% છે, તેમ અગ્રવાલે જણાવ્યું હતું.

શુક્રવારે કેન્દ્ર દ્વારા મલ્ટી ડિસિપ્લિનરી ટીમો કેરળ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ અને મણિપુરમાં મોકલવામાં આવી છે જ્યાં કોવિડ  કેસની વધુ સંખ્યા નોંધાઇ રહી છે.

(6:51 pm IST)