Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

પુલવામામાં સેના સાથે અથડામણમાં પાંચ આતંકી ઠાર, એક જવાન શહીદ

સુરક્ષાદળોનું આતંકવાદીઓ સામેનું એન્કાઉન્ટર પુરું થયું : એક ગામમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી બાદ દળોએ ગામને ઘેરી લેતાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કરતાં સેનાએ વળતો ગોળીબાર કર્યો હતો

નવી દિલ્હી, તા. ૨ : જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરૂવારની રાતથી સુરક્ષાદળોએ આતંકીઓ સામે શરૂ કરેલુ એક્નાઉન્ટર આજે પુરૂ થયુ છે. જેમાં પાંચ આતંકીઓને સુરક્ષાદળોએ યમસદન પહોંચાડી દીધા છે. આ અથડામણમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક જવાન પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન શહીદ થયો છે.

પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે પુલવામા જિલ્લાના રાજપોરા વિસ્તારમાં આવેલા એક ગામમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ આ ગામને ઘેરી લઈને ચેકિંગ શરૂ કર્યુ હતુ. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ કર્યુ હતુ અને એ પછી બંને પક્ષો વચ્ચે સામ સામે ગોળીબાર શરૂ થયો હતો. સુરક્ષાદળોએ આપેલા જડબાતોડ જવાબથી આતંકીઓ હતપ્રભ થઈ ગયા હતા. જોકે આ એક્નાઉન્ટર દરમિયાન સેનાના એક જવાનને ગોળી વાગી હતી અને તેનુ સારવાર દરમિયાન શ્રીનગરની હોસ્પિટલમાં મોત થયુ હતુ.

આ પહેલા જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં પણ બુધવારે ત્રણ આતંકીઓને ખાત્મો બોલાવી દેવાયો હતો. જ્યારે સેનાના બે જવાનો પણ ઘાયલ થયા હતા. ભારતીય સેનાનુ કહેવુ છે કે, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ સામેનુ અભિયાન ચાલુ રહેશે, રાજ્યમાં શાંતિ સ્થપાય તે ભારતીય સેનાનુ પહેલેથી જ લક્ષ્ય છે. અમારી પાસે આતંકીઓ સામે અભિયાન ચલાવવા માટે મજબૂત તંત્ર પણ છે. શાંતિ અને વિકાસની પ્રક્રિયામાં વિઘ્ન ઉભુ કરવા માંગતા તત્વોનુ ધ્યાન રાખવાની જરૂર છે.

બીજ તરફ, જમ્મુ-કાશ્મીરના ડીસીપી દિલબાગ સિંહનું કહેવું છે કે, ડ્રોન દ્વારા હથિયાર, વિસ્ફોટકો અને માદક પદાર્થો સીમાપાર પહોંચાડવા પાછળ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદનો હાથ છે. તેઓએ જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને વિકાસ લાવવા માટે આતંકવાદનો અસ્વીકાર કરવામાં આવે અને તેને હરાવવામાં આવે. આતંકવાદના સફાયા માટે આતંકવાદ વિરોધી અભિયાનોની ગતિ વધુ ઝડપી કરવામાં આવશે. બીજી તરફ, ડ્રોન જેવા ખતરા સામે લડવા માટે સુરક્ષાની વ્યવસ્થાને પણ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જમ્મુમાં ઉચ્ચ સુરક્ષાવાળા વાયુસેના સ્ટેશન પર તાજેતરમાં ડ્રોનથી જ હુમલો કરવામાં આવ્યો હતો.

(7:25 pm IST)