Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

જાપાનમાં કોરોનાના કેસો વધ્યા, માત્ર ૧ર%ને જ રસી અપાઇ : આમ છતાં ઓલિમ્પિક તો યોજાશે જ

ટોકિયો ઓલિમ્પિકસમાં ર૦૦ થી વધુ દેશોના ૧૧ હજારથી વધુ રમતવીરો ભાગ લેશે : આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની ટીમ ટોકિયોની મુલાકાત લેશે : રમતોત્સવમાં વિદેશી ચાહકોને મંજુરી નથી

ટોક્યો, તા. ર :  આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ અને ટોક્યો ઓલિમ્પિકસના આયોજકોએ જણાવ્યું હતું કે, આઈઓસી પ્રમુખ થોમસ બાચ ૮ જુલાઈએ ટોક્યો પહોંચશે. ત્રણ દિવસ સુધી કવોરેન્ટાઇનમાં રહ્યા પછી, તે રમતો પહેલા સભાઓમાં ભાગ લેશે. બાચ પણ ૧૬ જુલાઇએ હિરોશિમાની મુલાકાત લેશે, અને ત્યારબાદ આઈઓસીના વાઇસ પ્રેસિડેન્ટ જોન કોટ્સ નાગાસાકીની મુલાકાત લેશે. આ રમતો ૨૩ જુલાઇથી શરૂ થવાની છે. જે૮ ઓગસ્ટ સુધી ચાલશે.

દરમિયાન ટોકયોમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, જ્યારે આના સાત દિવસ પહેલા તેમની સંખ્યા ઘણી ઓછી હતી.

જાપાનમાં માત્ર ૧૨ ટકા લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. તે જ સમયે, કેટલાક રાજ્યોમાં લાદવામાં આવેલી કટોકટી ૧૨ જુલાઇના રોજ સમાપ્ત થઈ જશે અને એવી શક્યતા છે કે, ઓલિમ્પિકની શરૂઆત દરમિયાન સરકારી અધિકારીઓએ રાજ્યમાં કટોકટી ફરીથી લાગુ કરવી પડશે. જ્યારે કોટ્સને એક મહિના પહેલા પૂછવામાં આવ્યું હતું કે શું કટોકટીની સ્થિતિ દરમિયાન ઓલિમ્પિકનું આયોજન થઈ શકે છે, તો તેણે કહ્યું, જવાબ એકદમ હા છે.ૅ

ઓલિમ્પિકસમાં ૨૦૦ થી વધુ દેશોના ૧૧ હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. ગયા વર્ષે રમતો કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવી હતી. જાપાનમાં બીજી વખત ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાને કારણે, આ વખતે વિદેશી ચાહકોને આવવાની મંજૂરી નથી. ફકત સ્થાનિક ચાહકો સ્ટેડિયમ જઇ શકશે. ખેલાડીઓને પણ સુચના આપવામાં આવી છે. ઇવેન્ટ દરમિયાન તેઓ થોડા દિવસ અગાઉથી આવી શકશે અને તે સમાપ્ત થયા પછી તરત જ રવાના થશે.

(3:54 pm IST)