Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ઇંધણના ભાવે પ્રજાના ડુચા કાઢ્યાઃ કેન્દ્રએ બમ્પર કમાણી કરી

આરટીઆઇમાં સનસનીખેજ ખુલાસોઃ પેટ્રોલીયમ પ્રોડકટ પર ટેક્ષથી સરકારની તિજોરી છલોછલઃ ૪.૫૧ લાખ કરોડની થઇ કમાણીઃ સરકારની કમાણીમાં ૫૬.૫ ટકાનો વધારો : કેન્દ્રએ કસ્ટમ એન્ડ એકસાઇઝ ડ્યૂટીમાંથી ૪.૫૧ લાખ કરોડ રૂપિયાની કમાણી કરીઃ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં પેટ્રોલિયમ પેદાશોના આયાત પર રૂ. ૩૭,૮૦૬.૯૬ કરોડની કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવી હતી

નવી દિલ્હી, તા.૨: પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવોથી દરેક લોકો હેરાન-પરેશાન છે. સરકાર પાસેથી ટેકસ અને સેસ ઘટાડવાની માંગણી વધતી રહી છે પરંતુ શું તમને ખબર છે કે પેટ્રોલીયમ પ્રોડકટથી સરકારને અબજો રૂપિયાની કમાણી થઇ રહી છે. પેટ્રોલના ભાવમાં લાગેલી આગ બાદ ડિઝલે પણ સદી ફટકારી દીધી છે. રાજસ્થાનના જેસલમેરમાં ડિઝલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર કરી ગયો છે. આમજનતાના ગજવા ખાલી થઇ રહ્યા છે પરંતુ સરકારની તીજોરી ભરાઇ રહી છે. પેટ્રોલીયમ પ્રોડકટ પર કેન્દ્ર સરકારે ૪.૫૧ લાખ કરોડની ટેકસ રેવન્યુ મેળવી છે અને તેમાં ૫૬.૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. કોરોનાકાળ દરમિયાન પણ સરકારની તીજોરી છલોછલ થઇ ગઇ છે. એક આરટીઆઇમાં આ ખુલાસો થયો છે.

કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં પેટ્રોલિયમ પ્રોડકટ્સ પર કસ્ટમ ડ્યુટી અને એકસાઇઝ ડ્યુટી તરીકે ઈન્ડાયરેકટ ટેકસ રેવન્યૂ તરીકે ૪,૫૧,૫૪૨.૫૬ કરોડની કમાણી કરી છે. જે ગત વર્ષની સરખામણીએ લગભગ ૫૬.૫ ટકા વધારે છે. PTI મુજબ, આ અંગે RTI દ્વારા જાણકારી મળી છે. જયારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કમરતોડ વધારો થતાં કેન્દ્ર અને રાજય સરકારોને ફ્યુઅલ ટેકસ-સેસ ઘટાડવાની માંગ થઇ રહી છે.

રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં પેટ્રોલિયમ પેદાશોના આયાત પર રૂ. ૩૭,૮૦૬.૯૬ કરોડની કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવી હતી. સાથે જ દેશમાં આ પ્રોડકટ્સના ઉત્પાદન પર સેન્ટ્રલ એકસાઈઝ ડ્યુટીમાંથી ૪.૧૩ લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે. RTI દ્વારા મળેલી માહિતી અનુસાર, ૨૦૧૯-૨૦માં પેટ્રોલિયમ પેદાશોના આયાત પર કસ્ટમ ડ્યુટી તરીકે સરકારે ૪૬,૦૪૬.૦૯ કરોડની આવક મેળવી હતી. જયારે આ પ્રોડકટ્સના ઉત્પાદન પર સેન્ટ્રલ એકસાઈઝ ડ્યુટીથી રૂ. ૨.૪૨ લાખ કરોડ વસૂલવામાં આવ્યા છે. એટલે કે, બંને ટેકસ અંતર્ગત સરકારે ૨૦૧૯-૨૦માં કુલ ૨,૮૮,૩૧૩.૭૨ કરોડ  રૂપિયાની કમાણી કરી હતી. એક RTI કાર્યકર્તાએ જણાવ્યું હતું કે નાણાં મંત્રાલય સાથે સંકળાયેલ ડિરેકટોરેટ જનરલ ઓફ સિસ્ટમ્સ એન્ડ ડેટા મેનેજમેન્ટએ માહિતીના અધિકાર હેઠળ તેમની અરજી અંગે માહિતી આપી હતી. તો અર્થશાસ્ત્રી જયંતીલાલ ભંડારીના જણાવ્યા મુજબ, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે માત્ર સામાન્ય માણસ જ નહીં, પરંતુ આખી અર્થવ્યવસ્થા બગડી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજય સરકારોએ ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલ પરના તેમના ટેકસ દ્યટાડીને લોકોને મોંધવારીમાંથી રાહત આપવી જોઈએ.

દેશમાં પેટ્રોલની કિંમતોમાં આજે ફેરફાર કરવામાં આવ્યો છે. ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલનો ભાવ વધાર્યો છે. જોકે, ડીઝલની કિંમત સ્થિર રાખવામાં આવી છે. આજે દિલ્હીમાં પેટ્રોલ ૩૫ પૈસા પ્રતિ લીટર મોંદ્યું થઈ ગયું છે. કોલકાતામાં ૪૦ પૈસા પ્રતિ લીટર મોંદ્યું થયું છે. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલ ૯૯.૧૬ રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે. ડીઝલ ૮૯.૧૮ રૂપિયા પ્રતિ લીટર પર જ છે. નોંધનીય છે કે, એક રિપોર્ટ આવી રહ્યો છે કે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો વધવાની છે. જેથી દેશમાં કિંમતોમાં સમયાંતરે વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં હળવી રાહત જોવા મળી છે.

નોંધનીય છે કે, છેલ્લા દોઢ મહિનાથી સતત વધારા બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તર પર છે. આ ઉપરાંત દેશના અનેક શહેરોમાં કિંમતો ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલ ૧૦૫ રૂપિયાથી વધારે છે. પટના, ભોપાલ, રાજસ્થાન, જયપુર સહીત અનેક રાજયોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર પહોંચ્યું છે.

(3:12 pm IST)