Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

કફોડી હાલત..કોરોનાના કપરા કાળમાં ૩૦ ટકા શ્રમિકોએ ગુમાવી રોજગારી

વ્હાઈટ કોલર જોબના કર્મચારીઓની પણ ૨૫થી ૪૦ ટકા સેલરી કટ

નવી દિલ્હી, તા.૨: કોરોનાના પંદર માસના કપરા કાળમાં વેપાર ઉદ્યોગના ક્ષેત્ર સાથે સંકળાયેલા અંદાજે ૨૫ થી ૩૦ ટકા કર્મચારીઓને નોકરી પરથી રજા આપી દેવામાં આવી છે. તેમાંથી દસેક ટકા તો તેમના વતન ચાલ્યા ગયા છે. વતનથી પરત ફર્યા જ નથી.

બીજું, વ્હાઈટ કોલર જોબ વાળાઓના પગારમાં ૨૫દ્મક ૪૦ ટકા જેટલો સેલરી કટ આવ્યો છે તેની પણ અસર ઘર ઘરમાં વપરાતી ચીજવસ્તુઓની ખરીદી પર પડી છે.  તેની સીધી અસર હેઠળ ફાસ્ટ મુવિંગ કન્ઝયુમર ગુડ્સના સેકટરની કંપનીઓના વેચાણમાં ૨૫ ટકાનો ઘટાડો આવી ગયો છે.

ફાસ્ટમુવિંગ કન્ઝયુમર ગુડ્સના સેકટરની ૬૦ થી  ૭૦ ટકા વસ્તુઓનું વેચાણ શહેરી વિસ્તારમાં છે. શહેરી વિસ્તારના વેચાણ પર જ બહુ મોટી અસર આવી છે. તેમાંય ખાસ કરીને કોસ્મેટિકસના વેચાણ તો લગભગ ૫૦થી ૭૦ ટકા ઘટી ગયા છે.

કોરોનાના કહેરને પરિણામે ઓટો પાર્ટ્સ અને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં જોબ કરનારાઓએ જોબ ગુમાવવા પડયા છે. આ ઉદ્યોગમાં ૪૦ ટકા જેટલો લોકોએ જોબ ગુમાવ્યા છે. હાલોલની જનરલ મોટર્સે તેનું એકમ પૂણે શિફ્ટ કર્યું હતું.

આ એકમ પણ તેણે મહિના પૂર્વે બંધ કરી દેતા ગુજરાતથી પૂણે લઈ જવામાં આવેલા ૩૦૦ થી ૪૦૦ કારીગરો જોબલેસ થઈ ગયા હોવાનું કેમિકલ મજદૂર પંચાયતના અસીમ રોયનું કહેવું છે. તદુપરાંત કામદારોના પગારમાં ખાસ્સા કટ પણ આવ્યા છે. આ કટ ૩૦ ટકાનો છે. તેમ જ એટેન્ડન્સ એલાવન્સ પણ દ્યટાડી દેવામાં આવ્યો છે. વડોદરામાં ઇન્ડસ્ટ્રીયલ બેગ બનાવતી ત્રણ કંપનીઓએ તેમના કામદારોના પગારમાં ૩૦ ટકાનો કાપ મૂકી દીધો છે.

તેમનું કહેવું છે કે ડેઈલી વેજીસ પર કામ કરતાં ૫૦ ટકા કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા છે. મોટા ઉદ્યોગો પણ કર્મચારીઓ અને કામદારો પાસે ૮ને બદલે ૧૨ કલાક કામ કરાવીને તેમને વધારાના સમયનો એટલે કે ઓવરટાઈમનો પગાર ચૂકવતા જ નથી.

૮ થી ૯ કલાકની શિફ્ટને ૧૨ કલાકની શિફ્ટમાં કન્વર્ટ કરી દીધી છે. ઓવરટાઈમ કરાવો તો તેને માટે નાણાં ચૂકવવાના સુપ્રીમ કોર્ટના આદેશને પણ અવગણવામાં આવી રહ્યો છે. વડોદરાની ૨૮૦૦થી વધુ ફેકટરીઓ ઓવરટાઈમ કરાવીને કામદારોને નાણાં ચૂકવતી નથી.

ગુજરાતના શ્રમ કમિશનરની કચેરી શ્રમિકોને માટેના કાયદાનો ચુસ્ત અમલ કરાવતી ન હોવાથી કામદારોને ઓછી આવકમાં વધારે સમય કામ કરવાની ફરજ પડી રહી છે. મોટી કંપનીઓએ રેગ્યુલર કામદારના પગારથી ૬૦ થી ૭૦ ટકા ઓછા પગારે કોન્ટ્રાકટ લેબરને રાખવા માંડયા હોવાથી પણ તેમની આવક ઘટી છે.

બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઓરિસ્સાના કામદારો તેમના વતન ચાલ્યા ગયા છે. તેઓ કોરોનાના ભયને કારણે વતનથી આજ દિન સુધી પરત ફર્યા નથી.

વતન ગયેલાઓમાંથી એકાદ બે જણ પરત આવીને તેમના વતનના સાથીદારોને ફોન કરી દઈને નોકરીની સ્થિતિનો અંદાજ આપતા હોવાથી તેઓ આવવાનું ટાળી રહ્યા છે. બેટરી બનાવતી કંપનીઓએ પણ તેમના કર્મચારીઓને પગાર વિનાની રજા પર ઉતરી જવાની સૂચના આપી છે. પરિણામે કામદારોની આવક પર અસર પડી રહી છે. તેથી સીધી અસર તેમના દ્યરના ખર્ચ પર અને ખરીદી કરવા પર પડી રહી છે.

ફાસ્ટ મુવિંગ કન્ઝયુમર ગુડ્સના હોલસેલ સપ્લાયર્સનું કહેવું છે કે એફએમસીજી ગુડ્સનું ૬૦ ટકાથી વધુ વેચાણ શહેરી વિસ્તારોમાં જ થાય છે. શહેરી વિસ્તારોમાં નોકરી માટે આવેલા ૩૦ થી ૪૦ ટકા લોકો નોકરી ગુમાવી છે અથવા તો પગાર કાપનો સામનો કરી રહ્યાં છે.

તેની સીધી અસર હેઠળ ઘર વપરાશની ચીજ વસ્તુઓની ખરીદી પર તેમણે બ્રેક મારી દીધી છે. સમાજનો મધ્યમ કે અપર મિડલ કલાસ પણ પહેલાની માફક જરૂર હોય કે ન હોય તો પણ રૂ. ૫૦૦-૧૦૦૦ના એકસ્ટ્રા ખરીદી કરી લેતા હતા તેના પર પણ અત્યારે બ્રેક લાગી ગઈ છે. તેથી પણ તેમના વેચાણ પર અસર પડી છે.

(11:49 am IST)