Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

જીએસટી... હવે એક ઓકટોબરથી અમલ કરવાની જાહેરાત

રૂ. ૫૦૦ કરોડથી વધુ ટર્નઓવરવાળા માટે QR કોડનો નિર્ણય પાછો ઠેલાયો

જાહેરાત કર્યા બાદ સિસ્ટમ જ ગોઠવી નહીં હોવાથી આખરે મુદ્દત લંબાવી

નવી દિલ્હી તા. ૨ : ૫૦૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનારે માલ વેચતી વખતે ફરજિયાત કયુઆર કોડ આપવાનો રહેશે તેવો નિયમ એક જુલાઈથી અમલમાં મૂકવામાં આવનાર હતો, પરંતુ જીએસટી વિભાગ સિસ્ટમ જ ગોઠવી શકી નહીં હોવાથી આખરે આ નિયમનો અમલ ત્રણ મહિના બાદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

૧૦૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનારે જીએસટી પોર્ટલ પર જ ઈ-ઇનવોઈસ બનાવવાનો નિયમ અમલમાં મૂકયો છે. જયારે એક ઈથી પાંચસો કરોડ કરતા વધુ ટર્નઓવર ધરાવનાર તમામ વેપારીએ માલ વેચતી વખતે ઇ-ઇનવોઇસ બનાવે ત્યારે તેની સાથે કયુઆર કોડ આપવાનો નિયમ અમલમાં લાવવાની જાહેરાત કરી હતી. પરંતુ કયુઆર કોડ કેવી રીતે બનાવવો તેની વ્યવસ્થા જ જીએસટી વિભાગ ઊભી કરી શકી નહોતી. તેના કારણે અમલ કરવાના એક દિવસ પહેલા ત્રણ મહિના બાદ તેનો અમલ કરવાની જાહેરાત કરી છે. જોકે ત્રણ મહિનામાં પણ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી શકયતા નહિવત હોવાનું જાણકારો કહી રહ્યા છે. કારણ કે આની જાહેરાત ઓકટોબર ૨૦૨૦માં કરવામાં આવી હતી. તે વાતને આઠ મહિના બાદ પણ જીએસટી વિભાગ દ્વારા સિસ્ટમ તૈયાર કર્યા વિના જ અમલ કરવાની જાહેરાત કરી દીધી હતી. તેના કારણે જ હાલ મુશ્કેલી ઉભી થઇ રહી છે. સરકાર દ્વારા જ સિસ્ટમ ઉભી નહીં કરવાના લીધે જ મુદત વધારવામાં આવી રહી છે. જયારે વેપારીએ એક દિવસ પણ રીટર્ન મોડુ ભર્યું તો તેની પાસે દંડ અને વ્યાજ વસુલાત કરવામાં કોઇ કસર બાકી રાખવામાં આવતી નથી. આવી સરકારની બેધારી નિતીને કારણે જ વેપારીઓમાં રોષ ફેલાયો છે.

  • આઇસી કોડ લેવાની મુદતમાં પણ એક માસનો વધારો

ઇમ્પોર્ટ અને એકસપોર્ટ કરનારાઓએ એક જુલાઇ સુધીમાં નવો આઇઇસી કોડ લેવા માટેની જાહેરાત કરી હતી. જોકે ત્યાર બાદ નવો કોડ લેવામાં નહીં આવ્યો હોય તે વેપારી ઇમ્પોર્ટ એકસ્પોર્ટ કરી શકશે નહીં પરંતુ અનેક વેપારીઓએ નવો કોડ લીધો નહીં હોવાનું ઘ્યાને આવ્યું હતું. કારણ કે કોરોનાની સ્થિતિમાં આ કાર્યવાહી કરવામાં આવી નહોતી. તેના લીધે એક મહિનાની મુદતમાં વધારો કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેથી આગામી ૧ ઓગસ્ટ પહેલા નવો આઇઇસી કોડ લેવાનો રહેશે.

(11:47 am IST)