Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

પ.બંગાળ હિંસાનો મામલો

મમતા સરકારની મુશ્કેલી વધી શકે છે : રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની અરજી પર સુનાવણી માટે કોર્ટ તૈયાર

નવી દિલ્હી તા. ૨ : સુપ્રીમ કોર્ટે તે અરજી પર સુનાવણી માટે સહમત થઈ છે જેમા કેન્દ્ર સરકારને પશ્ચિમ બંગાળમાં ૨ મેની ચૂંટણીઓ પછી કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે નિર્દેશ આપવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ અરજીમાં રાજયમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે વહીવટી અધિકારીઓની મદદ અને કોઈ ગરબડીમાં તેની રક્ષા માટે સશસ્ત્ર, અર્ધલશ્કરી દળો તહેનાત કરવા માટે કેન્દ્રને નિર્દેશો આપવા માટે પણ આગ્રહ કરવામાં આવ્યો છે.

જસ્ટિસ વિનીત સરન અને જસ્ટિસ દિનેશ મહેશ્વરીની ખંડપીઠે આ અરજી પર કેન્દ્ર, પશ્ચિમ બંગાળ અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. અરજીમાં રાજયમાં મતદાન પછીની હિંસાના પીડિતો અને તેમના પરિવારના સભ્યોને નુકસાનની ખાતરી કર્યા પછી વળતર આપવા પણ નિર્દેશ આપવાની પણ વાત કરવામાં આવી છે. ખંડપીઠે જણાવ્યું હતું કે, અમે પ્રતિવાદી નંબર વન (ભારત સરકાર), પ્રતિવાદી નંબર બે (પશ્ચિમ બંગાળ સરકાર) અને પ્રતિવાદી નંબર ત્રણ (ચૂંટણી પંચ) ને નોટિસ પાઠવીએ છીએ. જો કે પ્રતિવાદી નંબર ચાર મમતા બેનર્જીને પાર્ટી અધ્યક્ષ તરીકે નોટિસ ફટકારી નથી.

એડ્વોકેટ વિષ્ણુ શંકર જૈન દ્વારા દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પીઆઈએલ અસામાન્ય સંજોગોમાં દાખલ કરવામાં આવી છે કારણ કે, પશ્ચિમ બંગાળના હજારો નાગરિકોને વિધાનસભાની ચૂંટણી દરમિયાન વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરવા માટે ટીએમસી કાર્યકર્તાઓ દ્વારા ધમકી આપવામાં આવી. અરજી અનુસાર, યાચિકાકર્તા પશ્ચિમ બંગાળના તે હજારો નાગરિકોની વકાલત કરે છે જે મોટા ભાગે હિંદુ છે અને અને ભાજપને ટેકો આપવા માટે મુસ્લિમો દ્વારા તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે કારણ કે તેઓ હિન્દુઓને કચડી નાખવા માંગે છે જેથી આવનારા વર્ષોમાં સત્ત્।ા તેમની પસંદગીની પાર્ટીની બની રહે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ સંજોગોમાં અદાલતની તાત્કાલિક હસ્તક્ષેપની જરૂર છે અને કોર્ટ વિરોધી પક્ષોને આદેશ આપી શકે છે કે જેથી પશ્યિમ બંગાળની સરકાર બંધારણની જોગવાઈઓ અનુસાર કાર્ય કરે અને સતત ભંગના કિસ્સામાં ભારત સરકારને સંવિધાનના અનુચ્છેદ ૩૫૫ અને ૩૫૬ હેઠળ ઉચિત કાર્યવાહી કરવાનો આદેશ આપી શકાય છે.

(11:46 am IST)