Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

કોરોનાનો મૃત્યુઆંક ૪,૦૦,૦૦૦ને પાર

અમેરિકા - બ્રાઝીલ પછી ભારત ત્રીજા ક્રમે : જો કે પ્રતિ મિલિયન સૌથી ઓછા મોત : છેલ્લા ૨૪ કલાકમાં ૪૬૬૧૭ કેસ : ૮૫૩ના મોત : કુલ કેસ ૩,૦૪,૫૮,૨૫૧ કેસ : એકટીવ કેસ ૫,૦૯,૬૩૭ : કુલ મૃત્યુઆંક ૪,૦૦,૩૧૨ : કુલ રસીકરણ ૩૪ કરોડ

નવી દિલ્હી તા. ૨ : ભારતમાં કોરોના વાયરસને કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા ૪ લાખને પાર કરી ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૫૩ લોકોના મોત થયા છે અને આ દરમિયાન ૪૬૬૧૭ નવા કેસ આવ્યા છે. નવા આંકડા સાથે કુલ કેસની સંખ્યા ૩ કરોડ ૪ લાખ ૫૮ હજાર ૨૫૧ થઇ છે. હાલ ૫ લાખ ૯ હજાર ૬૩૭ દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં રિકવરી રેટ ૯૭.૦૧ ટકાનો વીકલી પ્રોઝીટીવીટી રેટ ૨.૫૭ ટકા છે. ૪ લાખથી વધુ મોત નોંધાતા હવે ભારત વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે. જો કે ખરાબ રીતે પ્રભાવિત દેશોમાં પ્રતિ મિલિયન મોત ભારતમાં સૌથી ઓછા છે.

હાલ અમેરિકા અને બ્રાઝીલ પછી ભારત ત્રીજો દેશ બન્યો છે જ્યાં ૪ લાખથી વધુ થયા છે. મેકસીકોમાં ૨ લાખથી વધુ મોત થયા છે. ૬ લાખ મોત સાથે અમેરિકા પ્રથમ છે તે પછી ૫.૨ લાખ મોતથી બ્રાઝીલ અને ત્રીજા ક્રમે ભારત છે જ્યાં ૪ લાખથી વધુ મોત નોંધાયા છે.

મૃતકોની સંખ્યામાં રૂસ, બ્રિટન, ઇટાલી, ફ્રાંસ અને કોલંબિયા પણ છે. આ દેશોના મુકાબલે પ્રતિ મિલિયન જનસંખ્યાના આધારે ભારતમાં મોતની સંખ્યા અત્યાર સુધી સૌથી ઓછી ૨૮૭ છે જે રૂસમાં ૯૧૬, ફ્રાંસ - મેકસીકો - અમેરિકા - બ્રિટનમાં પ્રતિ મિલિયન ૧૦૦૦ થી ૨૦૦૦ વચ્ચે મોત છે. પેરૂની સ્થિતિ ગંભીર છે જ્યાં પ્રતિ મિલિયન ૫૭૬૫ મોત થયા છે. ૫૪ દેશોનો ડેથ રેટ ભારત કરતા વધુ છે.

દેશમાં કોરોના વાયરસના નવા ૪૬ હજારથી વધુ કેસ નોંધાયા છે. જયારે એક દિવસમાં ૮૫૩ લોકોના મૃત્યુ થયા છે. ગઈ કાલે બહાર પડેલા આંકડા મુજબ ૪૮,૭૮૬ નવા કેસ નોંધાયા હતા અને ૧૦૦૫ લોકોના એક દિવસમાં કોરોનાથી મૃત્યુ થયા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા ૪૬,૬૧૭ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો હવે ૩,૦૪,૫૮,૨૫૧ પર પહોંચી ગયો છે. દેશમાં હાલ ૫,૦૯,૬૩૭ દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં ૫૯,૩૮૪ દર્દીઓએ કોરોનાને માત આપી. અત્યાર સુધીમાં કુલ ૨,૯૫,૪૮,૩૦૨ દર્દીઓ કોરોનાને પછાડવામાં સફળ થયા છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાંથી છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાએ ૮૫૩ લોકોના જીવ લીધા. આ સાથે હવે કુલ મૃત્યુઆંક ૪,૦૦,૩૧૨ થયો છે. દેશમાં રસીકરણમાં પણ ઝડપ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રસીના ૩૪,૦૦,૭૬,૨૩૨ ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં કોરોનાથી રિકવરી રેટ વધીને ૯૭.૦૧ ટકા થયો છે. જયારે વિકલી પોઝિટિવિટી રેટ હાલ ૨.૫૭ ટકા છે. ડેઈલી પોઝિટિવિટી રેટ ૨.૪૮ ટકા છે. સતત ૨૫ દિવસથી તે ૫ ટકાથી ઓછો નોંધાય છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી કુલ ૧૮,૮૦,૦૨૬ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે કુલ કોરોના ટેસ્ટનો આંકડો હવે ૪૧,૪૨,૫૧,૫૨૦ પર પહોંચી ગયો છે.

(11:04 am IST)