Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ આગામી દિવસોમાં સૌથી વધુ ખતરનાક સાબિત થઇ શકે : WHO

દુનિયાના ૧૦૦ જેટલાં દેશોમાં ડેલ્ટા વેરિએન્ટ ફેલાયો : બચવા માટે તાત્કાલિક પગલાં ભરો

જીનીવા : કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ આગામી દિવસોમાં સૌથી વધુ ખતરનાક સાબિત થાય તેવી શક્યતા છે. આ વેરિએન્ટથી બચવા માટે તાત્કાલિક પગલાં ભરવા પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભાર મૂક્યો હતો. દુનિયાના ૧૦૦ જેટલાં દેશોમાં ડેલ્ટા વેરિએન્ટ ફેલાઈ ચૂક્યો હોવાનું પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું હતું.
 વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક અહેવાલમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના ફેલાવા બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપી હતી કે આ વેરિએન્ટ સૌથી ખતરનાક સાબિત થઈ શકે તેમ હોવાથી તાત્કાલિક તેના પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવા જરૃરી છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કહેવા પ્રમાણે ડેલ્ટા વેરિએન્ટ અગાઉના બધા જ વેરિએન્ટ કરતાં વધુ શક્તિશાળી છે અને વધારે ઝડપથી ફેલાતો હોવાથી તે દુનિયામાં ત્રીજી લહેર સર્જી શકે છે. અહેવાલમાં દાવો થયો હતો કે ડેલ્ટા વેરિએન્ટ દુનિયાનાં ૧૦૦ જેટલાં દેશોમાં તો ગણતરીના દિવસોમાં જ ફેલાઈ ચૂક્યો છે. આ આંકડો વધુ મોટો હોવાની શક્યતા છે. કારણ કે ઘણાં દેશોમાં વેરિએન્ટને પારખવા માટેના સંસોધનો ખાસ થતાં ન હોવાથી ડેલ્ટાની હાજરી હોવા છતાં તેની ઓળખ થઈ ન હોવાની પણ પૂરી શક્યતા છે.
ડબલ્યુએચઓએ ચેતવણી આપતા કહ્યું હતું કે અત્યાર સુધી કોરોનાને અટકાવવા જે પ્રયાસો કર્યા છે એ તમામ પ્રયાસો વધુ મજબૂતાઈથી કરવામાં નહીં આવે તો આ વેરિએન્ટ દુનિયામાં ફરીથી હાહાકાર મચાવી દેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, વારંવાર હાથ ધોવા વગેરે ઉપાયો કરવાથી ડેલ્ટાને દૂર રાખી શકાશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વેક્સિનેશન પર પણ ખાસ ભાર મૂક્યો હતો.

(12:00 am IST)