Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

યુએનમાં પણ ચીન સામે ભારતને યુએસનું સમર્થન

પાકિસ્તાનમાં આતંકી હુમલાના પ્રસ્તાવ પર તનાતની : યુએનમાં પ્રસ્તાવ મુકાતાં પહેલા પાક પીએમ ઈમરાનખાને હુમલા માટે ભારતને જવાબદાર ઠેરવીને બદનામ કર્યું હતું

યુએન, તા. : યુનાઈટેડ નેશન્સમાં પણ ભારત અને ચીન વચ્ચેનો ટકરાવ એકદમ વધી ગયો છે. ચન સાથે પાકિસ્તાન ભારતની વિરુદ્ધમાં છે જ્યારે અમેરિકા અને અન્ય દેશો ભારતની મદદે આવ્યા છે. વિગતો પ્રમાણે પાકિસ્તાનના કરાંચી સ્ટોક એક્સચેન્જ પર થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન તરફથી તેના મિત્ર ચીને સંયુક્ત રાષ્ટ્રમાં તેને વખોડવા માટેનો પ્રસ્તાવ મુક્યો હતો. જેના પર નિવેદન આપવાનું હતું. જોકે અમેરિકાએ દરમિયાનગીરી કરીને ચીનના નિવેદનને પ્રાયોજિત ગણાવ્યું હતું અને તરત તેને પાસ કરવા પર રોક લગાવી હતી. પહેલાં જર્મનીએ પણ ચીનના પ્રસ્તાવને અટકાવી રાખ્યો હતો. પાકિસ્તાને સ્ટોક એક્સચેન્જ પરના આતંકી હુમલા માટે ભારતને દોષી ગણાવ્યું હતું. જોકે, ચીન મુદ્દે જે નિવેદન પસાર કરાવવા માંગતુ હતું તેમાં ભારતનો તો ઉલ્લેખ નથી ને તે વાત અમેરિકા અને જર્મની ચકાસવા માંગતા હતા એટલે અમેરિકાએ નિવેદન પસાર કરતા પહેલાં તેને વાંચવા માટે સમય માંગ્યો હતો. યુએનમાં પ્રસ્તાવ મુકાતાં પહેલા પાક પીએમ ઈમરાનખાને હુમલા માટે ભારતને જવાબદાર ઠેરવીને ભારતને આંતરરાષ્ટ્રિય સ્તરે બદનામ કરવાની ચાલ ચાલી હતી. જોકે અમેરિકા અને જર્મનીએ ભારત સામે ચીન અને પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.

ચીન તરફથી સાયલન્ટ પ્રોસિજરના ભાગરુપે હુમલાને વખોડતું નિવેદન પાસ કરવાનો પ્રસ્તાવ મુકાયો હતો. પ્રોસિજરમાં અન્ય કોઈ દેશ વિરોધ નહી કરે તેવું મનાતું હોય છે પણ સૌથી પહેલા જર્મનીએ હસ્તક્ષેપ કર્યો હતો અને પ્રસ્તાવ પર વિચાર કરવા માટે સમય માંગ્યો હતો. પછી અમેરિકાએ ડેડલાઈન આગળ વધારવાની માંગ કરી હતી જેનો ચીને વિરોધ પણ કર્યો હતો. જોકે નિવેદનમાં ભારતનો કોઈ ઉલ્લેખ નહીં હોવાથી આખરે હુમલાને વખોડતું નિવેદન પસાર કરાયું હતું.

(7:35 pm IST)