Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

આત્મહત્યા પહેલા પોતાને જ ગૂગલ પર સર્ચ કરી રહ્યો હતો સુશાંત સિંહ

સવારે ૧૦:૧૫ કલાકે ગૂગલ પર પોતાનું નામ સર્ચ કર્યું

મુંબઈ, તા.૨: સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછીથી જ કેટલીક અટકળો પણ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. જોકે, મુંબઈ પોલીસ દરેક શક્ય એટલા એંગલથી આ મામલે તપાસ કરી રહી છે. હવે એક રિપોર્ટ અનુસાર એ વાત પણ સામે આવી છે કે, સુશાંતે પોતાના મોતના કેટલાક કલાકો પહેલા ગૂગલ પર પોતાને જ સર્ચ કર્યો હતો. જો સુશાંતે ખરેખર આવું કર્યું હોય તો એક મહત્વની વાત સામે આવી શકે છે. કારણકે એવું પણ કહેવામાં આવે છે કે સુશાંત ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યો હતો.

એક રિપોર્ટ અનુસાર, સુશાંતના મોબાઈલના ફોરેન્સિક રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે તેણે પોતાના આત્મહત્યાના દિવસે એટલે કે, ૧૪ જૂનના રોજ સવારે ૧૦:૧૫ કલાક આસપાસ ગૂગલ પર પોતાનું નામ ' Sushant Singh Rajput ' સર્ચ કર્યું હતું. આ રિપોર્ટમાં એ વાત પણ સામે આવી છે કે સુશાંતે પોતાને લગતા જ કેટલાક ન્યૂઝ આર્ટિકલ અને રિપોર્ટ્સ પણ વાંચ્યા હતાં.

(3:09 pm IST)