Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

બ્રાઝીલમાં કોરોના કુલ કેસ ૧૪ લાખને પાર : મૃત્યુઆંક ૬૦ હજારથી વધુ

૨૪ કલાકમાં કોરોનાના ૪૬,૭૧૨ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી તા. ૨ : વૈશ્વિક મહામારી કોરોનાથી ગંભીરરૂપથી ઝઝુમી રહેલા લેટિન અમેરિકી દેશ બ્રાઝીલમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના સંક્રમણના ૪૬,૭૧૨ નવા કેસ સામે આવતા જ સંક્રમિતોની સંખ્યા ૧૪ લાખનો આંક પાર કરીને ૧૪,૪૮,૭૫૩ થઇ ગઇ છે. બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મોડી રાતે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન આ મહામારીથી ૧૦૩૮ લોકોના મોત થવાથી મૃતકોની સંખ્યા ૬૦ હજારના આંકડાને પાર કરીને ૬૦,૬૩૨ પહોંચી ગઇ છે. બ્રાઝીલમાં ૮,૨૬,૦૦૦થી વધુ લોકો કોરોના સંક્રમણને સંપૂર્ણ રીતે સ્વસ્થ પણ થયા છે.

તેનાથી એક દિવસ પહેલા બ્રાઝીલમાં કોરોના સંક્રમણના ૩૩,૮૪૬ નવા કેસ સામે આવ્યા હતા. અને કોવિડ-૧૯થી ૧૨૮૦ લોકોના મોત થયા હતા. એક દિવસ પહેલાની સરખામણીમાં બ્રાઝીલમાં કોરોના સંક્રમણના નવા કેસમાં મોટો વધારો થયો છે. અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટીના વિજ્ઞાન તેમજ એન્જીનિયરીંગ કેન્દ્ર તરફથી જાહેર કરેલા આંકડા મુજબ કોરોના સંક્રમિતોની સંખ્યાના કેસમાં બ્રાઝીલ અગાઉથી જ અમેરિકા બાદ બીજા સ્થાન પર છે. કોરોનાના કારણે થયેલા મૃત્યુની યાદીમાં પણ બ્રાઝીલ બીજા સ્થાને આવી ગયું છે.

બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો સતત કોરોનાને એક સામાન્ય ફલૂ ગણાવતા આવ્યા છે. જેના કારણે તેને કડક ટીકાનો સામનો કરવો પડયો છે.

(3:08 pm IST)