Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ચાઈનીઝ એપ પરનો પ્રતિબંધ ડિજિટલ સ્ટ્રાઈક : કેન્દ્રીય સંચાર મંત્રી રવિશંકર પ્રસાદ

ચાઈનિઝ એપ્સ પર પ્રતિબંધ સંદર્ભે કેન્દ્રીય પ્રધાને વડાપ્રધાન મોદીની પ્રસંશા કરી : ભારત શાંતિ ઈચ્છે છે, પણ ખરાબ નજર કરશો તો જવાબ મળશે, કેન્દ્રીય મંત્રીએ પશ્ચિમ બંગાળના લોકોને ઓનલાઈન રેલી દ્વારા સંબોધન કર્યું

કોલકાતા, તા. : કેન્દ્રીય સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે ચાઈનીઝ એપ પર પ્રતિબંધને 'ડિજિટલ સ્ટ્રાઈક' ગણાવતાં કહ્યું છે કે, ભારત શાંતિ ઈચ્છે છે પણ જો કોઈ દેશ તરફ ખારબ નજર કરશે તો ભારત તેનો જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, જો લદ્દાખમાં ચીન સામે ઘર્ષણમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા છે તો સામે ચીનના પક્ષે ખુંવારીનો આંકડો ડબલ છે. અત્યારે આપણે બે 'સી'- કોરોના વાયરસ અને ચાઈના વિશે સાંભળી રહ્યા છીએ. આપણે શાંતિ ઈચ્છીએ છે અને વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા ઈચ્છીએ છે પરંતુ જો કોઈ આપણી તરફ ખરાબ નજર કરે છે તો આપણે તેનો યોગ્ય જવાબ આપીશું.

ચાઈનાએ તેમની તરફથી ખુંવારીનો કોઈ આંકડો જાહેર નથી કર્યો જે સૌ કોઈ જાણે છે, તેમ રવિ શંકર પ્રસાદે જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ પશ્ચિમ બંગાળના લોકોને ઓનલાઈન રેલી દ્વારા સંબોધન કરતા વાત કહી હતી. પ્રસાદે વધુમાં જણાવ્યું કે, ભારતે ભૂતકાળમાં તેમના પર કરાયેલા આતંકવાદી હુમલાના કેવી રીતે જવાબ આપ્યા છે તે સૌની સમક્ષ છે. ઉરી અને પુલવામાં જેવા હુમલાનું ઉદાહરણ ટાંકીને તેમણે જણાવ્યું કે, જ્યારે વડાપ્રધાન એવું કહે છે કે આપણા જવાનોનું બલિદાન એળે નહીં જાય ત્યારે તેનો જરૂર કોઈ અર્થ નિકળે છે. અમારી સરકારમાં પરિણામ આપવાની હિંમત છે.

ભારત દ્વારા ચાઈનીઝ એપ પર પ્રતિબંધ દેશના લોકોના ડેટાને સુરક્ષિત રાખવા મૂકાયો હોવાનું કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું. સાથે તેમણે ટીએમસી પર નિશાન સાધ્યું કે, ટીએમસી ચાઈનીઝ એપ પરના પ્રતિબંધનો વિરોધ શા માટે કરી રહ્યું છે.

પ્રસાદે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં વિચિત્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અગાઉ ટીએમસી એવો પ્રશ્ન કરતું હતું કે શા માટે એપ પર પ્રતિબંધ નથી મુકી રહ્યા, જ્યારે હવે તેઓ એવું પૂછે છે કે પ્રતિબંધ શા માટે મુક્યો. વિચિત્ર છે, તેઓ કપરા સમયમાં શા માટે સરકારની પડખે નથી ઉભા રહેતા.

ટીએમસીના સાંસદ નુસરત જહાને બુધવારે કેન્દ્ર દ્વારા ૫૯ ચાઈનીઝ એપ પરના પ્રતિબંધને આંખમાં ધૂળ નાંખવા સમાન ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત સરકારે ચાઈનીઝ એપની સાથે ભારતીય એપને રિપ્લેસ કરવી જોઈએ કારણ કે કેન્દ્રના નિર્ણયથી એપ પર નિર્ભર રહેતા લોકોનું જીવન પ્રભાવિત થાય છે. ભારત-ચીન સરહદે તણાવની સ્થિતિમાં મૌન ધારણ કરવા બદલ તેમણે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા- માર્ક્સિસ્ટ (સીપીઆઈ-એમ)ની ઝાટકણી પણ કાઢી હતી.

(7:28 pm IST)