Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

કુલ મોતમાંથી ૭૦ ટકા મોત માત્ર ત્રણ રાજયોમાં

કોરોના બાબતે જૂન સૌથી ભયાનક મહિનો

નવી દિલ્હી તા. ર : ભારતમાં બુધવારે કોરોના વાયરસથી પ૦૭ લોકોના મોત થયા જે દેશમાં એક દિવસનો સૌથી મોટો આંકડો છે. તો જુનમાં કોરોના સંક્રમણના લગભગ ૪ લાખ કેસ જાહેર થતા તે અત્યાર સુધીનો સૌથી ભયાનક મહિનો રહ્યો જેના કારણે કેટલાક રાજયોએ અલગ અલગ પ્રતિબંધો સાથે લોકડાઉનનો પણ સહારો લેવો પડયો.

આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર કોરોનાથી થયેલ ૧૭૪૦૦ મોતમાંથી ૭૦ ટકા મોત ત્રણ રાજયોમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુમાં થયા છે.

બુધવારે સવારે આઠ વાગ્યા સુધી આવેલા આંકડાઓમાં એ પણ જાહેર થયું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં સંક્રમણના ૧૮૬પ૩ કેસ આવવાની સાથે કુલ આંકડો વધીને પ,૮પ,૪૯૩ થઇ ગયો છે. તો આ રોગમાંથી સાજા થવાનો દર ક્રમિક રૂપે સુધરતો જાય છે અને તે લગભગ ૬૦ ટકા નજીક પહોંચી ગયો છે.

મંત્રાલયના આંકડાઓ અનુસાર, આ સતત પાંચમો દિવસ છે જેમાં કોરોનાના કેસોમાં ૧૮૦૦૦ થી વધારેનો વધારો નોંધાયો છે. દેશમાં જુન મહિનામાં ૩,૯૪,૯પ૮ કેસ વધ્યા જે કુલ કેસના ૬૮ ટકા છે. આંકડાઓ અનુસાર, ર,ર૦,૧૧૪ કોરોના દર્દીઓની સારવાર હજુ ચાલુ છે જયારે ૩,૪૭,૯૭૮ લોકો સાજા થયા છે. તેનાથી સંકેત મળે છે કે અત્યાર સુધીમાં પ૯,૪૩ ટકા દર્દીઓ સાજા થયા છે.

ભારતમાં કોરોનાનો પહેલો કેસ ૩૦ જાન્યુઆરીઅ કેરળમાં જાહેર થયો હતો જયારે ચીનના વૃહાનથી પાછા આવેલ એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત હોવાનું જાહેર થયું હતું દેશમાં કોરોનાથી પહેલુ મોત ૧ર માર્ચે કર્ણાટકમાં નોંધાયું હતું.

(3:07 pm IST)