Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

અમરનાથ યાત્રા થશે કે નહીં ? : હજુ સુધી કોઇ નિર્ણય નથી લેવાયો

જમ્મુઃ હજુ સુધી એ નકકી નથી થયું કે અનલોક-૨ પછી પણ અમરનાથ યાત્રા શરૂ થશે કે નહીં પણ યાત્રાના આયોજનની જે તૈયારીઓ થઇ રહી છે. તેમાં રાજ્યમાં આવનાર અમરનાથ યાત્રીઓને કવોરન્ટાઇનમાં રાખવાની તૈયારીઓ પણ છે. એટલે કે કોરોના સકંટકાળમાં અમરનાથ યાત્રામાં જોડાનાર લોકોએ પોતાના ખર્ચે કોરોના ટેસ્ટતો કરાવવો પડશે. તેની સાથે હવે કવોરન્ટાઇનની શરત પણ ઉમેરી દેવાઇ છે.

અધિકારીઓ અનુસાર, અમરનાથ યાત્રાની તારીખ હજુ નકકી નથી થઇ પણ બીજા રાજ્યમાંથી આવનાર યાત્રીકોને પહેલા કઠુઆ જીલ્લામાં કવોરન્ટાઇન કરવામાં આવશે. કોવિદ ટેસ્ટ રિપોર્ટ આવ્યા પછી જ તેમને આગળ જવાની પરવાનગી આપવામાં આવશેે. ગઇ કાલે જમ્મુના મંડલાયુકત સંજીવ વર્માએ જીલ્લા પ્રશાસન સાથેની બેઠકમાં ૫૦૦ થી ૧૦૦૦ યાત્રિકોને કવોરન્ટાઇન કરવાની વ્યવસ્થા કરવાની સુચના આપી. જીલ્લા પ્રશાસનમાંથી મળતી માહિતી અનુસાર, યાત્રા શરૂ થયે. લખનપુરમાં યાત્રિકોના સેમ્પલ ટેસ્ટ થશે. રિપોર્ટ આવે ત્યાં સુધી તેમને ૬ કવોરન્ટાઇન સેન્ટરોમાં રાખવામાં આવશે.

આ વર્ષે લંગરની પરવાનગી નથી આપવામાં આવી એટલે શ્રધ્ધાળુઓના ભોજનની વ્યવસ્થા પ્રશાસન કરશે. શ્રધ્ધાળુઓને સરકારી કોલેજ કઠુઆ, ત્રણ ખાનગી કોલેજો અને લંગરના સ્થળોએ પ્રસ્તાવીત કવોરન્ટાઇન સેન્ટરોમાં ઉતારો અપાશે.

અમરનાથ યાત્રા સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે, અમરનાથ યાત્રાની પરવાનગી આપવી કે નહીં તે રાજ્ય પ્રશાંસને નિર્ણય લેવાનો છે. એક પ્રસ્તાવ અનુસાર, યાત્રિકોને હેલિકોપ્ટરથી આવવા-જવાની પરવાનગી આપી શકાય પણ, રાજ્ય બહારના યાત્રિકો જમ્મુકાશ્મીરમાં  પહોંચશે કેવી રીતે તે મોટો સવાલ છે. કેમ કે , અત્યારે રાજ્યની બહારથી આવતા લોકોને ૭ દિવસ કવોરન્ટાઇનમાં રહેવું પડે છે. એટલે આવનારાઓએ ઓછામાં ઓછા ૧૦-૧૨ દિવસનો પ્રોગ્રામ બનાવીને આવવું પડશે.

(12:50 pm IST)