Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ગલવાન ખીણ પર ચીનના તેવર ઢીલા પડયાઃ પાછળ હટવા તૈયાર

લડાખ સરહદે ભારત અને ચીન તણાવ વચ્ચે એકવાર ફરીથી ગલવાન ખીણ અને ગોગરા હોટ સ્પ્રિંગ પર શાંતિપૂર્ણ ઉકેલ માટે ચીન તૈયાર થઈ ગયું છે

નવી દિલ્હી, તા.૨: લડાખ સરહદે ભારત અને ચીન  તણાવ વચ્ચે એકવાર ફરીથી ગલવાન ખીણ અને ગોગરા હોટ સ્પ્રિંગ પર શાંતિપૂર્ણ ઉકેલ માટે ચીન તૈયાર થઈ ગયું છે. બંને દેશો પૂર્વ લદાખના આ વિસ્તારમાંથી ધીરે ધીરે પ્રમાણિક ઢબે પોતાની સેનાઓ પાછળ હટાવશે. આ અગાઉ પણ બંને દેશો વચ્ચે થયેલી સૈન્ય વાર્તાઓ દરમિયાન પહેલાની સ્થિતિ પર પાછા ફરવાની સહમતિ બની હતી પરંતુ ત્યારે ચીનના સૈનિકો દ્વારા સમજૂતિનું પાલન ન થતા તણાવ ખુબ વધી ગયો. જેના પગલે ૧૫મી જૂનના રોજ બંને દેશોના સૈનિકો વચ્ચે લોહિયાળ સંદ્યર્ષ પણ થયો જેમાં આપણા ૨૦ સૈનિકો શહીદ થયા જો કે ભારતીય સેનાએ ચીનને પણ બરાબર પાઠ ભણાવ્યો હતો. સૂત્રોના જણાવ્યાં મુજબ ચીન શાંતિપૂર્ણ ઉકેલ માટે  તૈયાર થઈ ગયું છે પરંતુ પેન્ગોંગ ત્સો (ઝીલ)ને લઈને કોઈ સફળતા મળી નથી. બંને દેશોમાં આ વિસ્તારને લઈને જે ઘર્ષણ છે તેના પર હજુ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. બુધવારે સત્તાવાર સૂત્રોએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે બંને પક્ષ ઝડપથી હાલના તણાવને ઓછો કરવા માંગે છે અને અહીંથી પાછળ હટવા પર રાજી છે. અત્રે જણાવવાનું કે સૈન્ય સ્તર પર ચાલેલી ૧૨ કલાકની મેરાથોન મીટિંગ ૬ જૂન બાદ બંને દેશો વચ્ચે થયેલી ત્રીજી મીટિંગ હતી. આ બેઠકમાં ભારત તરફથી ૧૪ કોર્પ્સ કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ હરિન્દર સિંહ નેતૃત્વ કરી રહ્યાં હતાં. જયારે ચીન તરફથી દક્ષિણ શિનજિયાંગ મિલેટ્રી ડિસ્ટ્રિકટ ચીફ મેજર જનરલ લુઈ લિન વાતચીતમાં સામેલ થયા હતાં.

જો કે આ એક લાંબી પ્રક્રિયા છે જેમાં અનેક ચીજોને પૂર્વવત કરવી પડશે. આ વખતે ભારત ચીનના પાછળ હટવાની દરેક હરકત પર ખુબ સાવધાની અને ચાંપતી નજર રાખી રહ્યું છે. ૧૫ જૂનના રોજ પીપી ૧૪ પર સંતોષબાબુ સહિત ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતાં ચીની સેના દ્વારા ભારતના સૈનિકો પર થયેલા હુમલા બાદ ડ્રેગનની કોઈ પણ વાત પર ભારત સરળતાથી વિશ્વાસ કરે તેમ નથી. હુમલાના પૂર્વયોજના બનાવી બેઠેલા ચીનના આ દગાથી ભારતીય સેનાના જાબાંઝ જવાનોએ જીવ ગુમાવ્યાં. આ સંદ્યર્ષમાં ચીનને પણ ખુબ નુકસાન થયું જો કે ચીને હજુ સુધી તેના નુકસાનની સંખ્યા જણાવી નથી.

(11:19 am IST)