Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

૧૦૦૦ કરોડના મુંબઈ એરપોર્ટ કૌભાંડનો પર્દાફાશ કરતી સીબીઆઈ

જીવીકે ગ્રુપ અને એરપોર્ટ ઓથોરીટી વિરૂદ્ધ સીબીઆઈએ ફરીયાદ દાખલ કરીઃ ૮૦૫ કરોડ રૂ.ના કૌભાંડનો આરોપઃ સરકારી તિજોરીને ૧૦૦૦ કરોડનું નુકશાન થયાનો અંદાજઃ મુંબઈ એરપોર્ટના આધુનિકીકરણ અને જાળવણીમાં અનિયમીતતા દાખવવા સાથે મામલો જોડાયેલો છેઃ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લી. વિરૂદ્ધ પણ ફરીયાદ

મુંબઈ, તા. ૨ :. જીવીકે ગ્રુપ ઓફ કંપનીઝના ચીફ જી. વૈંકટ કૃષ્ણા રેડ્ડી અને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લી. વિરૂદ્ધ સીબીઆઈએ એફઆઈઆર નોંધી છે. આરોપ છે કે બન્નેએ સાથે મળી ૮૦૫ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યુ છે.

સીબીઆઈ દ્વારા દાખલ એફઆઈઆરમાં એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા સહિત ૯ અન્ય ખાનગી કંપનીઓના અધિકારીઓના પણ નામ છે. આ લોકો ઉપર ૨૦૧૨થી ૨૦૧૮ વચ્ચે સરકારી તિજોરીને નુકશાન પહોંચાડવાનો આરોપ છે. આ બધા પર ૮૦૫ કરોડ રૂપિયાથી વધુનો ખોટો લાભ લેવાનો પણ આરોપ છે.

એફઆઈઆર અનુસાર મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લી. નામની એક સયુંકત કંપનીની રચના જીવીકે એરપોર્ટ હોલ્ડીંગ્સ લી., એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા અને કેટલીક અન્ય વિદેશી સંસ્થાઓ દ્વારા રચવામા આવ્યુ હતું. જીવીકે પાસે ૫૦.૫ ટકા શેર છે અને ૨૬ ટકા શેર ઓથોરીટી પાસે છે. જીવીકેના રેડ્ડી ઈન્ટરનેશનલ એરપોર્ટ લી.ના વડા છે અને જીવી સંજય રેડ્ડી તેના એમ.ડી. છે. આ બન્નેના નામ ફરીયાદમાં છે.

૨૦૦૬માં થયેલા કરાર અનુસાર ઈન્ટરનેશનલ એરપોર્ટ લી. મુંબઈ એરપોર્ટને ચલાવશે અને તેને વાર્ષિક પૈસાના સ્વરૂપમાં ઓથોરીટીને પોતાની આવકના ૩૮.૭ ટકા આપશે. બાકીનાના ઉપયોગ એરપોર્ટના આધુનિકીકરણ અને જાળવણી પાછળ વપરાશે.  સીબીઆઈએ જણાવ્યુ છે કે આરોપીઓએ ૯ અન્ય ખાનગી કંપનીઓ સાથે ખોટુ કામ બતાડી ૩૧૦ કરોડ રૂ. ચાંઉ કરી લીધા છે. એવો પણ આરોપ છે કે ઓથોરીટીને નુકશાન પહોંચાડવા માટે જીવીકે ગ્રુપના પ્રમોટરોએ આ વર્ષો દરમિયાન પોતાની અન્ય કંપનીઓને નાણા આપવા માટે ઈન્ટરનેશનલ એરપોર્ટ લી.ના ૩૯૫ કરોડના ફંડનો ઉપયોગ કર્યો.

ફરીયાદમાં જણાવાયુ છે કે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લી.માં જીવીકે ગ્રુપના પ્રમોટરોએ ખર્ચ વધારવા માટે સંયુકત કંપનીના ૧૦૦ કરોડથી વધુ ઉપાડી લીધા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારી તિજોરીને કુલ નુકશાન ૧૦૦૦ કરોડથી વધુનુ થયુ છે.

(11:11 am IST)