Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ગલવાન જેવી અથડામણ નહિ દોહરાવવા ભારત-ચીન સંમત

ભારત અને ચીન ગલવાન ઘાટી પર અગાઉની સ્થિતિ પર પાછા ફરવા તૈયારઃ સરહદે ટેન્શન ઘટાડવા બન્ને દેશો પગલા લેશેઃ બન્ને દેશો વચ્ચે સૈન્ય મંત્રણામાં ફેંસલોઃ ભારત અને ચીન બન્ને દેશ તબક્કાવાર સૈનિકો હટાવવા માટે પણ તૈયારઃ સહમતી બની છે કે ૭૨ કલાક સુધી બન્ને પક્ષકારો એકબીજા પર નજર રાખશે કે જેથી મંત્રણાનું પરિણામ જમીન પર નજરે પડે

નવી દિલ્હી, તા. ૨ :. પૂર્વી લડાખમાં ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ગતિરોધ યથાવત છે. આ દરમિયાન કહેવાય છે કે બન્ને પક્ષો વચ્ચે વાતચીત થકી ટેન્શન ઘટાડવા માટે અનેક મુદ્દે સહમતી બની છે. ચીનના સરકાર અખબાર ગ્લોબલ ટાઈમ્સે દાવો કર્યો છે કે બન્ને દેશ તબક્કાવાર રીતે સૈનિકોને હટાવવા માટે તૈયાર છે. આ સિવાય એ બાબત પર પણ સહમતી બની છે કે ગલવાન ઘાટી જેવી હિંસક ઘટના ફરીથી નહિ બનવા પામે.

૩૦ જૂનના રોજ બન્ને દેશો વચ્ચે મતભેદો ઉકેલવા માટે કોર કમાન્ડર લેવલની વાતચીત યોજવામાં આવી હતી પરંતુ તેનુ કોઈ નક્કર પરિણામ બહાર આવ્યુ ન હતું. આ દરમિયાન ચીનના કોર કમાન્ડર મેજર જનરલ લીયુ લીન અને ભારતના કોર કમાન્ડર લેફ. જનરલ હરેદરસિંહ વચ્ચે લગભગ ૧૨ કલાક વાતચીત થઈ હતી. મીડીયા રીપોર્ટ અનુસાર બન્ને દેશે ૧૫ જૂન જેવી લોહીયાળ અથડામણ ફરી ન થાય તે માટે સમર્થ થયા હતા.

એવુ પણ કહેવાય રહ્યુ છે કે ૭૨ કલાક સુધી બન્ને પક્ષ એકબીજા પર નજર રાખશે. ગ્લોબલ ટાઈમ્સે દાવો કર્યો છે કે ભારત અને ચીન સરહદે ટેન્શન ઘટાડવા સહમત થયા છે. એટલુ જ નહિ તબક્કાવાર સૈનિકો હટાવવા પણ તૈયાર છે. જો કે ભારત તરફથી કોઈ પુષ્ટી થઈ નથી. આ પહેલા ૨૨ જૂનની બેઠકમાં પણ સૈનિકો હટાવવાની વાત થઈ હતી પરંતુ ૮ દિવસ બાદ પણ કોઈ ફેરફાર જણાયો ન હતો. અખબાર જણાવે છે કે બન્ને દેશ સરહદે શાંતિ બનાવવા માટે યોગ્ય પગલા લેશે.

દરમિયાન ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ શુક્રવારે પૂર્વી લડાખની મુલાકાતે જવાના છે. તેઓ સૈનિકોને મળશે અને ગલવાનના વિરોને મળવા લેહની હોસ્પીટલે પણ જશે.

(9:49 am IST)