Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

આકાશ સુનામી ત્રાટકી

મુંબઇમાં આફતનો વરસાદઃ આજે શાળા-કોલેજો- ઓફિસોમાં રજા જાહેરઃ ટ્રેનો રદઃ માર્ગો જળબંબાકર

મુંબઇ-પૂણેમાં દિવાલો ઘસી પડતા ૨૨ જણાના મોત

મુંબઈ, તા.૨: રવિવારે રાત્રે મુંબઈમાં શરુ થયેલો તોફાની વરસાદ બાદ સોમવારે પણ વરસાદ વરસતો રહ્યો. વરસાદના કારણે મુંબઈમાં સ્થિતિ ખાસ્સી બદલાયેલી છે. ભારે વરસાદના કારણે મુંબઈની સ્પીડને બ્રેક વાગી ગઈ છે. રસ્તાઓની સાથે હોસ્પિટલો અને રેલવે સ્ટેશનનો પર પણ પાણી ભરાયા છે. હવામાન વિભાગે મંગળવારે પણ ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે સરકારે તમામ સરકારી અને પ્રાઈવેટ સ્કૂલ-ઓફિસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા કહેવામાં આવ્યું છે કે, આજે ૨ જુલાઈએ તમામ સરકારી અને પ્રાઈવેટ સ્કૂલ બંધ રહેશે, સાથે જ સરકારી અને પ્રાઈવેટ ઓફિસોમાં પણ પબ્લિક હોલિડે જાહેર કરાયો છે. મુંબઇ-પૂણેમાં દિવાલ ધસી પડતા ૨૨ના મોત થયા છે.

 

હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ૨૪ કલાકમાં કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહન-વ્યવહાર પર અસર પડી રહી છે. પાલઘર અને નાલાસોપારા રેલવે સ્ટેશન પર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. પાલઘરમાં આજે પણ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે ચેતવણી આપી છે.

સોમવારે સવારે ખરાબ સ્થિતિના કારણે રાયગઢમાં એક સરકારી હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા અને લોકો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હોસ્પિટલમાં ડોકટરોથી લઈને દર્દીઓ અને તેમના સગાએ પાણીમાંથી ચાલીને પસાર થવું પડ્યું. હોસ્પિટલના વોર્ડ્સમાં પણ પાણી ભરાવા લાગ્યા હતા અને વરસાદ હજુ પણ ચાલું છે. મુંબઈ પોલીસે તમામ લોકોને ઘરમાંથી નીકળતા પહેલા હવામાન વિભાગની અપડેટ્સ જાણી લેવાની સલાહ આપી છે.

મુંબઈ પોલીસે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર લખ્યું છે, 'મુંબઈ અને આસપાસના વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. અમે મુંબઈવાસીઓને પોતાના દિવસનું પ્લાનિંગ કરતા પહેલા હવામાન વિભાગની અપડેટ ચેક કરવાની સલાહ આપીએ છીએ. તમારું ધ્યાન રાખો અને સુરક્ષિત રહો.' સુરક્ષાને જોતા સેન્ટ્રલ રેલવેએ કેટલીક લાંબા અને ટૂંકા અંતરની ટ્રેનો રદ કરી છે. રેલવેએ લગભગ ૮ મુખ્ય ટ્રેનો રદ કરી છે અને ફ્લાઈટના ટ્રાફિકને પણ અસર પડી રહી છે.

પૂણેા અંબેગાંવ સ્થિત કોલેજની દિવાલ તુટી પડતા ૬ના મોત થયા છે. બનાવ રાત્રે ૧.૧૫ કલાકે બન્યો હતો.

મુંબઇના પૂર્વ મલાડમાં દિવાલ ઝુપડપટ્ટી પર પડતા ૧૬ના મોત થયા છે અને ૧૬ને ઇજા થઇ છે - હજુ ઘણા ફસાયા છે.(૨૩.૩)

 

(11:27 am IST)