Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

ઉત્તરાખંડમાં આભ ફાટયુ : સેરાઘાટ હાઇડ્રોપાવર પ્લાન્ટને ભારે નુકસાન

છતરગઢ વિસ્તારમાં નહેર પાસેની જમીન ધસી પડતા આ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઇ

નવી દિલ્હી તા. ૨ : છેલ્લા કેટલાક દિવસથી દેશનાં વિવિધ રાજયમાં ચોમાસું સક્રિય બન્યું છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે ઉત્તર ભારત સહિત દેશનાં ૧૯ રાજયમાં આજે ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, અરૂણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ અને મેઘાલયમાં આજે વરસાદ થાય તેવી આગાહી પણ કરવામાં આવી છે.

જયારે બીજી તરફ રાજસ્થાનના બિકાનેરમાં ભારે વરસાદથી સ્થિતિ વણસી છે, જેમાં અનેક નદીઓની સપાટી વધી રહી છે. દરમિયાન પિથોરાગઢમાં વાદળ ફાટતાં આ વિસ્તારના સેરાઘાટ હાઇડ્રો પાવર પ્લાન્ટને ભારે નુકસાન થયું છે.

રાજસ્થાનના બિકાનેરમાં સતત ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદથી અનેક વિસ્તારમાં મકાનો પડી ગયાં છે તેમજ રોડ પણ ધોવાઈ ગયા છે. ભારે વરસાદથી ગોડુમાં સરહદ તરફ જતા સ્ટેટ હાઈવે પર ૨૦ ફૂટ ગાબડું પડી જતાં આ વિસ્તારમાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે.

જયારે છતરગઢ વિસ્તારમાં નહેર પાસેની જમીન ધસી પડતાં આ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. આ ઉપરાંત ૨૪ કલાકથી વરસાદ નહિ થતાં કાશ્મીર ખીણમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. તેમ છતાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે સાંજે આ વિસ્તારમાં ફરી ભારે વરસાદ થશે.

તેના કારણે ફરી પાણીના સ્તરમાં વધારો થશે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, અરૂણાચલ પ્રદેશ, આસામ, સિકિકમ અને મેઘાલયમાં આજે વરસાદ થાય તેવી આગાહી પણ કરવામાં આવી છે. સાથોસાથ પંજાબ, હરિયાણા, ચંડીગઢ, નાગાલેન્ડ, કોંકણ અને ગોવા તેમજ કર્ણાટકના કાંઠા વિસ્તારમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.

બીજી તરફ સતત વરસાદથી ઋષિકેશ-ગંગોત્રી હાઈવે બંધ થઈ જતાં આ રોડ પર વાહનોની લાંબી કતાર જામી ગઈ હતી. ઉત્ત્।રાખંડના ચંપાવતમાં શારદા નદીની સપાટીમાં વધારો થતાં હાલ પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. જેમાં ગઈ કાલે નદીના પ્રવાહમાં એક યુવક ફસાઈ ગયો હતો, જેને રેસ્કયૂ કરી બચાવી લેવામાં આવ્યો હતો.

દરમિયાન કેદારનાથમાં ભારે વરસાદથી યાત્રિકોમાં ઘટાડો થયો છે. શ્રીનગરમાં શનિવારથી વરસાદનું જોર ઘટી ગયું છે તેમ છતાં હજુ તેની અસર જોવા મળી રહી છે. સ્થિતિ હજુ સંપૂર્ણ રીતે સામાન્ય થઈ નથી, જેથી યાત્રિકોને સાવચેત રહેવા જણાવાયું છે.

ઉત્તરાખંડમાં પણ મોન્સૂન સક્રિય થતાં આ વિસ્તારમાં ભારે વરસાદ થતાં અનેક જગ્યાએ અફરાતફરી મચી છે, જેમાં ઉત્તરાખંડના સમાલ ગામમાં ભૂસ્ખલનથી હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. આ ઘટનાથી ગામના કેટલાક વિસ્તારમાં પહાડનો કાટમાળ ઘૂસી જતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. તંત્રએ લોકોને સલામત સ્થળે ખસેડી રાહત બચાવ કામગીરી હાથ ધરી છે.(૨૧.૩૦)

(5:20 pm IST)