Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

ઉત્તરપ્રદેશમાં આજે ભારે વરસાદની હવામાન ખાતાની ચેતવણી

લખનૌ,તા.૨: હવામાન ખાતાએ આજે પૂર્વી ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન ખાતાએ આપેલ માહિતી મુજબ લગભગ આખા પૂર્વી ઉત્તર પ્રદેશમાં વિજળી સાથે વરસાદનું અનુમાન છે. આ દરમિયાન એક-બે વિસ્તારોમાં જોરદાર વરસાદ પડશે. આ સમયમાં પશ્ચિમી અને મધ્ય ક્ષેત્રમાં વાદળા છવાયેલા રહેશે અને કેટલાક વિસ્તારોમાં સારા વરસાદનું પણ અનુમાન છે.

રાજધાની લખનૌ, ફૈઝાબાદ, દેવરિયા, સિધ્ધાર્થનગર અને બસ્તી સહીત કેટલાક વિસ્તારોમાં ગઈકાલે થયેલ વરસાદથી વાતાવરણ ખુશનુમા બની ગયુ હતુ. જો કે અમુક વિસ્તારોમાં તાપમાન સામાન્યથી ઓછું રહ્યું હતુ. લખનૌમાં  સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જો કે બપોરે વરસાદ બંધ થતા ભેજનું પ્રમાણ વધ્યું હતુ. ઝાંસીમાં છુટો છવાયો વરસાદ વચ્ચે લોકો પરસેવાથી તરબતર થયા હતા.

કાનપુરમાં એક-બે જગ્યાએ વરસાદ પડ્યો હતો. જયારે મોટાભાગના વિસ્તારોમાં ભેજ છવાયેલો રહેલ. દેવરિયામાં વરસાદ થવાથી ખેડૂતો વાવણીમાં વ્યસ્ત બન્યા હતા. જો કે થોડા જ વરસાદના કારણે શહેરમાં પાણી ભરાઈ ગયા હતા. કેન્દ્રીય પાણી આયોગ પાસેથી મળતી માહીતી મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ફતેહગઢ અને બિજનોરમાં ૨ સેમી વરસાદ નોંધાયો હતો. જયારે મુરાદાબાદ, બાગપત, ઈટાવા, કન્નોઝ, ગોરખપુર અને બસ્તીમાં ૧ સેમી, બલરામપુરમાં ૯ સેમી, બહરાઈચમાં ૭ સેમી, સિધ્ધાર્થનગરમાં ૪ સેમી, મહારાજગંજમાં ૫ સેમી નોંધાયેલ. છેલ્લા ૨૪ કલાકમાં અલ્હાબાદ મંડળમાં દિવસના તાપમાનમાં વધારો થયેલ. જયારે ગોરખપુર, ફૈઝાબાદ અને વારાણસીમાં ગુરૂતમ તાપમાન વધ્યું હતુ. અલ્હાબાદ ૩૯.૭ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું.(૩૦.૪)

(3:48 pm IST)