Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

વેપારીએ દાનમાં આપ્યા ૧૦૦ કરોડ

રકમનો ઉપયોગ આર્થિક રીતે નબળા લોકોના જીવનમાં બદલાવ લાવવા માટે કરવામાં આવશે

બેંગ્લોર તા. ૨ : બેંગ્લોરના એક રિયલ એસ્ટેટના વેપારીએ રવિવારના રોજ ૧૦૦ કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. સ્વતંત્રતા સેનાનીના પુત્ર ડી રવિશંકરે આ રકમ રોટરી ફાઉન્ડેશનને દાનમાં આપી છે, જે દુનિયાભરમાં પાણી, સ્વચ્છતા, શિક્ષણ તેમજ બાળકોના સ્વાસ્થ્ય સહિત અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરે છે.

આ રકમનો ઉપયોગ આર્થિક રીતે નબળા લોકોના જીવનમાં બદલાવ લાવવા માટે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રવિશંકરનો રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. ૬૦ વર્ષીય રવિશંકર જણાવે છે કે તે હંમેશાથી સમાજ માટે કંઈક કરવા માંગતા હતા.

રવિશંકરની બે દીકરીઓ છે. રોટરી દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રીલિઝમાં રવિશંકરે કહ્યું કે, મારા જીવનમાં કમાયેલી રકમ દાન કરતાં મને અત્યંત ખુશી થઈ રહી છે. શાંત અને સમૃદ્ઘ ભારત માટે મારો ધ્યેય છે કે વરિષ્ઠ નાગરિકો, વૃક્ષારોપણ, પ્રાણીઓની દેખરેખ, નદીઓની સંભાળ, અને દિવ્યાંગ લોકો માટે પૈસાનો ઉપયોગ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા જ રાજસ્થાનના એક મહિલાએ પોતાની લાખો રૂપિયાની જમીન સ્કૂલને દાનમાં આપી દીધી હતી. આ મહિલા શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. આ મહિલાના ચારેબાજુ વખાણ થયા હતા. રાજય સરકારે પણ તેમને ભામાશાહ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.(૨૧.૩૦)

(3:44 pm IST)