Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

કેજરી ફરી ધૂણ્યાઃ પૂર્ણ રાજ્યના દરજ્જા માટે જંગ

ઉપરાજ્યપાલને મોગલ અને અંગ્રેજો સાથે સરખાવ્યા-લોકો ૨૦૧૯માં બદલો લેશેઃ કેજરીવાલ

નવી દિલ્હી, તા. ૨ :. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ માટે રવિવારે આમ આદમી પાર્ટીની 'દિલ્હી માંગે અના હક્ક' રેલીમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલની ખૂબ ટીકા કરતા કહ્યું કે જનતાનું અપમાન કરવાનો બદલો દિલ્હીના લોકો ૨૦૧૯ની ચૂંટણીમાં લેશે. પૂર્ણ રાજ્ય બનાવવાની માંગણીને સમર્થન ન આપવા બદલ કેજરીવાલે રાહુલ ગાંધીની પણ ટીકા કરીને કહ્યું કે આ મામલે કોંગ્રેસ પોતાના વિચારો જનતાને જણાવે.

ઈન્દીરા ગાંધી ઈન્ડોર સ્ટેડીયમમાં આયોજીત રેલીમાં કેજરીવાલે કહ્યું કે પહેલા દિલ્હી પર મોગલો અને પછી અંગ્રેજોનું શાસન હતુ અને હવે અહીં ઉપરાજ્યપાલનું શાસન છે જે દિલ્હીના લોકોએ ચુંટેલી સરકારના કામ નથી કરવા દેતા. દિલ્હી એક એવુ રાજ્ય છે જ્યાં લોકો પોતાના મતથી સરકાર તો ચુંટે છે પણ સરકાર તેમના કામ નથી કરી શકતી. ઉપરાજ્યપાલના આવાસ પર કરાયેલ ધરણાની પરોક્ષ સફાઈ આપતા તેમણે કહ્યું કે દિલ્હીમાં ચાર મહિનાથી આઈએએસ અધિકારીઓ હડતાલ પર હતા. આ મામલે ઉપરાજ્યપાલને મળવા ગયા તો તે મળ્યા નહીં, આ દિલ્હીના લોકોનું અપમાન છે.

રેલીમાં આપના દિલ્હીના સંયોજક ગોપાલ રાયે કહ્યુ કે દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવવા માટેનું આંદોલન ચાલુ રહેશે અને આ દરમ્યાન પાર્ટીના કાર્યકરો અરવિંદ કેજરીવાલનો પત્ર લઈને ઘરે ઘરે જશે અને દસ લાખ સહીઓ એકઠી કરશે.

કેન્દ્ર નવી દિલ્હીને પોતાની પાસે રાખી શકે છે.

કેજરીવાલે કહ્યું કે જો પૂર્ણ રાજ્ય હોત તો ઉપરાજ્યપાલ મળવાની ના ન પાડી શકત. તેમણે ઉમેર્યુ કે દિલ્હીની મુશ્કેલીઓનો એક માત્ર ઉપાય પૂર્ણ રાજ્ય છે. કેજરીવાલે દિલ્હી નગરપાલિકા વિસ્તાર છોડીને દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવવાની માગ કરીને કહ્યુ કે કેન્દ્ર સરકાર આ વિસ્તારને પોતાની પાસે રાખી શકે છે. દિલ્હીમાં વધી રહેલા અપરાધ પર પોતાની ચિંતા જાહેર કરતા તેમણે કહ્યુ કે જો પૂર્ણ રાજ્ય હશે તો દિલ્હીને સંપૂર્ણ રીતે અપરાધ મુકત બનાવી શકાશે.

ભાજપાએ વિરોધ કર્યો

ભાજપાના દિલ્હી એકમે શહીદી પાર્કમાં ભેગા થઈને આ રેલીનો વિરોધ કર્યો. દિલ્હી ભાજપા અધ્યક્ષ મનોજ તિવારીએ જણાવ્યુ કે આમ જનતા સડકો પર પાણી માંગી રહી છે ત્યારે આપ પાર્ટી સ્ટેડીયમના એર કન્ડીશન્ડ હોલમાં રેલી કરી રહી છે. તિવારીએ પાણી અને વિજળીના ફીકસ મીટર ચાર્જના નામે ભેગા કરેલ ૮૦૦ કરોડ રૂપિયા દિલ્હીની જનતાને પરત કરવાની માંગણી કરી હતી.

(3:29 pm IST)