Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

હાવડાથી ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત : માલગાડી સાથે અથડાતા 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

ટ્રેનને ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિમી દૂર એક માલગાડી સાથે અકસ્માત : માલગાડી સાથે અથડાયા બાદ 3 સ્લીપર કોચ સિવાય બાકીના કોચ પાટા પરથી ઉતરી ગયા

કોલકતા :હાવડાથી ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનમાં સાંજે એક મોટો અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આ ટ્રેન ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિમી દૂર એક માલગાડી સાથે અથડાઈ હતી. માલગાડી સાથે અથડાયા બાદ 3 સ્લીપર કોચ સિવાય બાકીના કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. પ્રારંભિક માહિતીમાં આ કોચની સંખ્યા 18 જણાવવામાં આવી રહી છે.

   આ કોચમાં મોટી સંખ્યામાં મુસાફરો ફસાયા છે, જેમને બચાવવા માટે સ્થાનિક લોકો એકઠા થયા છે. આ ટ્રેન ચેન્નાઈ સેન્ટ્રલથી કોલકાતાના શાલીમાર રેલ્વે સ્ટેશન સુધી ચાલે છે. જણાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારે સાંજે ઓડિશાના બાલાસોર પાસે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

 

હાલમાં આ અકસ્માતમાં થયેલા નુકસાન અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ આશંકા છે કે ઘણા લોકો માર્યા ગયા છે. આ ઘટના કેવી રીતે બની તે અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે બંને ટ્રેનો એક જ લાઈનમાં આવવાને કારણે આ ભયાનક દુર્ઘટના થઈ છે. જાણવા મળી રહ્યું છે કે સિગ્નલ ફેલ થવાના કારણે બંને ટ્રેનો એક જ ટ્રેક પર આવીને ટકરાઈ હતી.

આ અથડામણમાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનને ભારે નુકસાન થયું હતું. લગભગ આખી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. ઘણા લોકો આમાં ફસાયા છે, જેમને સ્થાનિક લોકો બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ બની હતી.

(8:24 pm IST)