Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

કાશ્મીરમાં અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો

રાજૌરીમાં આતંકવાદીઓ-સુરક્ષાદળો વચ્ચે અથડામણ:રાજૌરી સેક્ટરના દસલમાં આતંકવાદીઓ છુપાયાની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન દરમિયાન કાર્યવાહી

જમ્મુ, તા.૨:જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ જારી છે. જંગલની અંદર બંને તરફથી ગોળીબાર થઈ ગયો છે. અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.

રાજૌરી સેક્ટરના દસલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ પહેલા ગઈકાલે સાંબા સેક્ટરમાં બીએસએફ જવાનોએ સરહદ પર એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો હતો. પોલીસે દસલથી આગળ સામાન્ય લોકો અને વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. જંગલની અંદર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જંગલમાં એકથી બે આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાની માહિતી મળતા જ સુરક્ષાદળોના વધુ જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

શ્રીનગરમાં જી-૨૦ સંમેલનના સફળ આયોજન બાદ નિયંત્રણ રેખાથી લઈને આંતરરાષ્ટ્રીય સરહદ સુધી પાકિસ્તાનની નાપાક હરકતો સતત ચાલુ છે. ગઈકાલે મધ્યરાત્રિએ જમ્મુના સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને બીએસએફ જવાનોએ ઠાર માર્યો હતો. બીજી તરફ બીએસએફ અધિકારીઓનો સંપર્ક કર્યા બાદ પાકિસ્તાની રેઝરોએ ઘૂસણખોરની લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. સુરક્ષા દળોએ જમ્મુ ડિવિઝનમાં સરહદ પર ૧૫ દિવસમાં બીજા પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. આ પહેલા સેનાએ પૂંચ જિલ્લાના મેંધરમાં નિયંત્રણ રેખા પર કાર્યવાહી કરી હતી. તેની પાસેથી આઈઆઈડી અને ડ્રગ્સ મળી આવ્યા હતા. બોર્ડર સિક્યોરિટી ફોર્સે સવારે ૨.૩૦ વાગ્યે આધુનિક સાધનો સાથે ભારત-પાક આંતરરાષ્ટ્રીય બોર્ડરની મંગુ ચક ચોકી પાસેના જબ્બાર નાલામાંથી ઘૂસણખોરી કરતા જોવામાં આવતા તરત જ સૈનિકો સતર્ક થઈ ગયા હતા. બીએસએફના પ્રવક્તાએ કહ્યું કે ઘુસણખોર ભારતીય સરહદ તરફ ઘૂસી રહ્યો હતો અને જવાનોને ચેતવણી આપ્યા બાદ પણ તે અટક્યો ન હતો તેથી કાર્યવાહી કર્યા બાદ ઘુસણખોરને ઠાર કરવામાં આવ્યો હતો. આ ઘુસણખોર પાસેથી પાકિસ્તાની ચલણમાં ૪૬૦ રૃપિયા અને કેટલાક સિક્કા મળી આવ્યા છે. એવી આશંકા છે કે ઘૂસણખોર આતંકવાદી ગાઈડ પણ હોઈ શકે છે જે રાતના અંધારામાં સરહદ નજીક આવીને તેની પાછળ આવેલા આતંકીઓને ઘૂસણખોરી કરાવી શકે છે. જવાનોએ મંગુ ચક વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૃ કર્યું હતું.

(7:59 pm IST)