Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

પાકિસ્તાનમાં રેકોર્ડબ્રેક મોંઘવારીનો દર 38 ટકાએ પહોંચ્યો : IMFપાસેથી લોન મેળવવાનો રસ્તો બંધ

મોંઘવારીનો દર આઝાદી બાદનો સૌથી વધુ :ગયા મહિને પાકિસ્તાનમાં મોંઘવારી દર 36.4 ટકા હતો.

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં મોંઘવારીએ તેના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મે મહિનામાં મોંઘવારીનો દર 38 ટકા પર પહોંચી ગયો છે, જે પાકિસ્તાનની આઝાદી બાદનો સૌથી વધુ છે. પાકિસ્તાનમાં 1957થી મોંઘવારીના આંકડાની વિગતો રાખવામાં આવે છે. ગયા મહિને પાકિસ્તાનમાં મોંઘવારી દર 36.4 ટકા હતો. અનાજની કિંમતોમાં ભારે વધારાને કારણે મોંઘવારીનો દર વધ્યો હોવાનું કહેવાય છે. દરમિયાન, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)પાસેથી લોન મેળવવાનો રસ્તો પાકિસ્તાન માટે બંધ થઈ ગયો છે 

પીએમ મોદીની સરકાર હેઠળ ભારતમાં ફુગાવાનો દર 4.7 ટકા છે, જે ઓક્ટોબર 2021 પછીનો સૌથી નીચો છે, જ્યારે ખાદ્ય ફુગાવાનો દર માત્ર 3.8 ટકા છે. પાકિસ્તાનમાં ખાદ્ય ફુગાવો મે મહિનામાં 48.7 ટકા રહ્યો હતો, જે એપ્રિલમાં 48.1 ટકા હતો.

IMFએ શહેબાઝ શરીફની વિનંતીને પણ ફગાવી દીધી છે અને લોનની વિનંતીને ફગાવી દીધી છે. નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાન પાસે ફરી એકવાર IMFને અનુરોધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. પાકિસ્તાનમાં ગયા વર્ષે મે મહિનામાં મોંઘવારીનો દર 13.76 ટકા હતો, પરંતુ હવે તે ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે. પાકિસ્તાનમાં શાહબાઝ સરકાર નવા નાણાંપ્રધાન ઈશાક ડારને એવી આશા સાથે લાવી હતી કે તેઓ મોંઘવારી પર અંકુશ મેળવી શકશે અને IMF પાસેથી લોન મેળવી શકશે, પરંતુ તેઓ સદંતર નિષ્ફળ પૂરવાર થયા છે.

 

મોહમ્મદ અલી ઝીણાના સ્વપ્નનું પાકિસ્તાન હવે એશિયામાં સૌથી વધુ મોંઘવારી ધરાવતો દેશ બની ગયો છે. અત્યાર સુધી શ્રીલંકામાં સૌથી વધુ મોંઘવારી હતી. પરંતુ મોંઘવારીના મામલે પાકિસ્તાને તેને પણ પાછળ છોડી દીધું છે.
એકબાજુ પાકિસ્તાનમાં મોંઘવારી સતત વધી રહી છે, ત્યાં શ્રીલંકામાં છેલ્લા આઠ મહિનાથી મોંઘવારીનો દર ઘટી રહ્યો છે. શ્રીલંકામાં મોંઘવારી દર એપ્રિલમાં 35.3 ટકાની સરખામણીએ મે મહિનામાં 25.2 ટકા રહ્યો હતો. દરમિયાન, IMF તરફથી લોન મેળવવાનો માર્ગ બંધ થયા બાદ હવે શ્રીલંકાની માફક પાકિસ્તાન પર ડિફોલ્ટ થવાનો ખતરો તોળાઈ રહ્યો છે.

 

(7:59 pm IST)