Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

ભારત ઈતિહાસ રચશે: 3જી જુલાઈએ ચંદ્રયાન-3 લોન્ચ થશે :ઈસરોના વડાએ માહિતી આપી: રશિયા કરશે ભારતની મદદ

ચંદ્રયાનને સફળતાપૂર્વક લોન્ચ કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે

નવી દિલ્હી :આવતા મહિને 3 જુલાઈએ ભારત એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. રશિયા પણ ભારતની મદદ માટે આગળ આવ્યું છે અને તેણે તેના મૂન લેન્ડર મિશનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. જેથી કરીને ભારતનું ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરવામાં સફળ થઈ શકે.  

ભારત ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં સફળ થશે, તો તે ચંદ્રયાનને સફળતાપૂર્વક લોન્ચ કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે. આ અગાઉ અમેરિકા, રશિયા અને ચીને પોતાનું ચંદ્ર મિશન સફળતાપૂર્વક શરૂ કર્યું છે. ભારતે 22 જુલાઈ 2019ના રોજ ચંદ્રયાન મિશન લોન્ચ કર્યું હતું. જો કે, તે સમયે ચંદ્રયાન લોન્ચ કરનાર લેન્ડર વિક્રમ ક્રેશ થઈ ગયું હતું. પરંતુ ત્યારથી જ ભારત ચંદ્રયાન-3ની તૈયારી કરી રહ્યું છે.

 

ચંદ્રયાનના પ્રક્ષેપણ અંગે ઈસરોના વડા સોમનાથે કહ્યું કે અમે મિશન ચંદ્રયાન-2માં ભલે નિષ્ફળ ગયા હોઈએ, પરંતુ ચંદ્રયાન-3ની સફળતા સાથે અમે ઈતિહાસ રચીશું. અમે ભૂતકાળની નિષ્ફળતાઓમાંથી શીખ્યા છીએ અને આગળ વધ્યા છીએ. સોમનાથે કહ્યું કે નિષ્ફળતાનો અર્થ એ નથી કે આપણે આગળ વધવાનું બંધ કરી દઈએ. આ વખતે આપણે ચોક્કસપણે ઈતિહાસ રચવાના છીએ. તે ભારતના લોકોને ગૌરવ અપાવવાનું એક મિશન છે. ચંદ્રયાન-3ને શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.

 

ઈસરોના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3માં ત્રણ અલગ-અલગ સેગમેન્ટ છે જે ચંદ્ર સુધી પહોંચવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. ટેકનિકલ ભાષામાં તેને મોડ્યુલ કહે છે. ચંદ્રયાન-3માં પણ 3 મોડ્યુલ છે. ચંદ્રયાન-2નું ઓર્બિટર પહેલેથી જ ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે, તેથી આ વખતે ઓર્બિટર મોકલવામાં આવશે નહીં. ઈસરોના વડાએ કહ્યું કે અમે આ વખતે ચોક્કસપણે સફળ થઈશું અને ભારતના લોકો ગર્વ અનુભવશે.

 

(7:57 pm IST)