Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

દલિતો-મુસ્લિમો પર રાહુલના નિવેદનને માયાવતીનું સમર્થન

યુએસમાં કોંગ્રેસના નેતાના નિવેદનથી રાજકીય ધમાસાણ:ભારતના કરોડો દલિતો તથા મુસ્લિમ સમાજની દયનીય દશા, અસુરક્ષા વગેરે વિશે રાહુલનું નિવેદન કડવું સત્ય

લખનૌ, તા.૨:અમેરિકામાં કોંગ્રેસ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદન પર રાજકીય ઘમસાણ મચી ગયું છે. ભાજપ આ મામલે રાહુલ ગાંધી સામે આક્રમક વલણ અપનાવી રહ્યો છે ત્યારે પૂર્વ સાંસદના નિવેદન પર બસપા પ્રમુખ માયાવતીની પ્રતિક્રિયા સામે આવી છે. બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ દ્વારા અમેરિકાના પ્રવાસ દરમિયાન ભારતના કરોડો દલિતો તથા મુસ્લિમ સમાજની દયનીય દશા તથા તેમના જાન-માલ, ધર્મની અસુરક્ષા વગેરે વિશે આપેલું નિવેદન એવું કડવું સત્ય છે જેના માટે કેન્દ્રમાં કોંગ્રેસ, ભાજપ તથા અન્ય પાર્ટીઓની રહેલી સરકારો પૂર્ણરૃપે દોષિત છે.

માયાવતીએ કહ્યું કે દેશમાં યુપી સહિત અન્ય રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હોય અથવા ભાજપ કે પછી સપાની, બહુસંખ્યક બહુજન સમાજના ગરીબો તથા વંચિતો પર દરેક સ્તરે અન્યાય-અત્યાચાર તેમજ શોષણ સામાન્ય વાત છે. જોકે યુપીમાં ફક્ત બસપાની જ સરકારમાં કાયદા દ્વારા કાયદાનું શાસન સ્થાપિત કરીને સૌની સાથે ન્યાય કરાયો હતો.  બસપા ચીફે કહ્યું કે સાથે જ રાજકીય તથા ચૂંટણી સ્વાર્થ હેતુ અનવરત તથા અગણિત કોમી રમખાણો તથા જાતિવાદી ઘટનાઓના કાળા અધ્યાયથી ઈતિહાસ ભરેલો છે જેના માટે આરોપ-પ્રત્યારોપ થાય છે પણ આ કારણોથી આ વર્ગોના લોકો તેમનું હિતૈષી બંધારણ હોવા છતાં સતત શોષિત અને પીડિત તથા લાચાર છે.

(7:51 pm IST)