Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

દેશમાં ૨૪ કલાકમાં ૮૧૭૧ કેસ : ચેપગ્રસ્ત બે લાખ નજીક

૨૪ કલાકમાં ૨૦૪ લોકોએ કોરોનાથી મોત થયા : કોરોનાના ૯૭૫૮૧ એક્ટિવ કેસ, હજુ સુધી ૫૫૯૮નાં મોત : વાયરસનો રિકવરી રેટ ૪૮.૧૯ ટકા સુધી પહોંચ્યો

નવી દિલ્હી, તા. ૨ : કોરોના વાયરસનો આતંક ઘટવાની જગ્યાએ દિવસેને-દિવસે વધી જ રહ્યો છે. દેશમાં છેલ્લા બે મહિના કરતા પણ વધારે સમયથી લોકડાઉન લાગુ હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો બે લાખની નજીક પહોંચી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે મંગળવાર સવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૧૯૮૭૦૬ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૧૭૧ નવા કેસ નોંધાયા છે જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૪૮.૧૯ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૭૦૮ લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૯૫૫૨૭ સુધી પહોંચી ગયો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૪ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

        આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૫૫૯૮ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૯૭૫૮૧ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૭૦૦૧૩ કેસ નોંધાયા છે જ્યારે ૨૩૬૨ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૨૩૪૯૫ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૧૮૪ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૨૦૮૩૪ કેસ નોંધાયા છે જ્યારે ૫૨૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ૧૭૨૧૭ લોકો સંક્રમણમાં આવ્યા છે ૧૦૬૩ લોકોના મોત થયા છે.

(7:54 pm IST)