Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

દિલ્હી ભાજપ પ્રમુખ પદેથી મનોજ તિવારીની વિદાય

છત્તીસગઢમાં વિષ્ણુ દેવ, મણીપુરમાં ટીકેન્દ્ર સિંહ પ્રમુખ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે જે પી નડ્ડાની વરણી બાદ સંગઠનમાં ફેરફારની બાકી પ્રક્રિયા આગળ ધપાવાઈ

નવી દિલ્હી, તા. ૨  : દિલ્હી ભાજપના પ્રમુખ પદેથી મનોજ તિવારીને હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને આદેશ કુમાર ગુપ્તાને દિલ્હી ભાજપના નવા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ગુપ્તા ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર પણ રહી ચુક્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે જે પી નડ્ડાની વરણી બાદ ભાજપના સંગઠનમાં ફેરફારની બાકી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી છે. દિલ્હી ઉપરાંત છત્તિસગઢ અને મણીપુરના પ્રદેશ પ્રમુખની પણ વરણી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો આમ આદમી પાર્ટી સામે પરાજ થયા બાદ મનોજ તિવારીએ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપવાની તૈયારી દર્શાવી હતી અને તેમનો કાર્યકાળ પણ ૨૦૧૯માં સમાપ્ત થયો હતો.

છત્તીસઢ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે વિક્રમ ઉસેંડીના સ્થાને આદિવાસી નેતા તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી વિષ્ણુ દેવ સાયને જવાબદારી સોંપવામાં આવી છે. સાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ ટર્મમાં કેન્દ્રીય મંત્રી હતા. જો કે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સામે પરાજયને પગલે ૨૦૧૯માં પાર્ટીએ કોઈપણ ઉમેદવારને રીપીટ નહીં કરવાનો નિર્ણય કરતા સાય લોકસભા ચૂંટણી લડ્યા નહતા. આ ઉપરાંત મણીપુરમાં ભાજપ પ્રમુખ તરીકે એસ ટીકેન્દ્ર સિંહને નિયુક્ત કરાયા છે.

કોરોના વાયરસ મહામારીને પગલે દેશમાં લોકડાઉન લાગુ કરાયા બાદ હવે અનલોક વનની જાહેરાત સાથે રાજકીય ગતિવિધીમાં પણ ગરમાવો આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણીની જાહેરાતો સાથે જ ભાજપે સંગઠનમાં ફેરફારની અટકેલી પ્રક્રિયાને વેગ આપવાની શરૂઆત કરી દીધી છે.

(7:46 pm IST)