Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

લોકડાઉન દરમિયાન ૧૯૮ માઈગ્રન્ટ મજૂરો માર્યા ગયા

સેવ લાઈફ ફાઉન્ડેશન દ્વારા સર્વે કરાયો : ૨૫ માર્ચથી ૩૧મી મે સુધીમાં સમગ્ર ભારતમાં ૧૪૬૧ અકસ્માત થયા હતા જેમાં કુલ ૭૫૦ લોકોનાં મોત થયા

નવી દિલ્હી, તા. ૨  : સમગ્ર દેશમાં લોકડાઉન દરમિયાન માઈગ્રન્ટ કામદારોને સૌથી વધુ ભોગવવું પડ્યું છે. વિવિધ અકસ્માતોમાં સત્તાવાર રીતે ૧૯૮ કામદારો માર્યા ગયા છે. સેવ લાઈફ ફાઉન્ડેશન દ્વારા સંચિત કરવામાં આવેલા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ફાઉન્ડેશનના રિપોર્ટ પ્રમાણે ૧૪૬૧ જેટલા અકસ્માતોમાં ૧૩૯૦ મજૂરો ઈજાગ્રસ્ત બન્યા છે. ૨૫ માર્ચથી ૩૧મી મે સુધીમાં આ અકસ્માતો નોંધાયા હતા. રિપોર્ટ પ્રમાણે આ દુર્ઘટનાઓમાં કુલ ૭૫૦ લોકો માર્યા ગયા છે જેમાં ૧૯૮ સ્થળાંતરિત મજૂરો છે. સ્થળાંતરિત કામદારો, લોકડાઉન દરમિયાન તેમના વતન જતા હતા ત્યારે આ દુર્ઘટનાઓ ઘટી હતી. આંકડાઓ પ્રમાણે આ દિવસો દરમિયાન જેટલાં મોત થયાં છે તેમાંના ૨૬.૪૦ ટકા માઈગ્રન્ટ મજૂરોના છે. રિપોર્ટ પ્રમાણે બસ અને ટ્રક ડ્રાઈવરોને સતત ડ્રાઈવીંગ કરવાથી થાક લાગતો હતો અને તેમાં તેઓ અકસ્માત કરી બેસતા હતા.

       કેટલાક કિસ્સાઓમાં ઓવર સ્પીડિંગ અને રોડની ખરાબ હાલત પણ અકસ્માતો માટે જવાબદાર હતી.  જેટલાં અકસ્માત નોંધાયાં છે તેમાં સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં ૨૪૫(૪૦ટકા) છે. તે પછી તેલંગણામાં ૫૬, મધ્યપ્રદેશ ૫૬, બિહાર ૪૩, પંજાબ ૩૮ અને મહારાષ્ટ્ર ૩૬નો સમાવેશ થાય છે. ટોચનાં પાંચ રાજ્યો કે જ્યાં માઈગ્રન્ટ વર્કરોનાં રોડ અકસ્માતમાં મોત નોંધાયાં છે તેમાં ઉત્તરપ્રદેશમાં ૯૪, મધ્યપ્રદેશમાં ૩૮, બિહારમાં ૧૬, તેલંગણા અને મહારાષ્ટ્રમાં ૯નો સમાવેશ થાય છે. ફાઉન્ડેશને તેનો આ રિપોર્ટ અખબારોમાં આવેલા અહેવાલો તેમજ વિવિધ સ્ત્રોતોને ટાંકીને તૈયાર કર્યો છે. આંકડાઓ પ્રમાણે ૨૭ ટકા મજૂરો અકસ્માતોમાં માર્યા ગયા છે તો પાંચ ટકા આવશ્યક સેવાઓ આપતા લોકો જેમકે, પોલીસ, ડોક્ટરો અને અન્ય પણ લોકડાઉન દરમિયાન જીવનથી હાથ ધોઈ બેઠા છે.

(7:44 pm IST)