Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

શેરબજારમાં તેજી : સેંસેક્સ ૫૨૨ પોઇન્ટ સુધરીને બંધ

સેંસેક્સ ૩૩૮૨૫ની સપાટી ઉપર બંધ : બીએસઈ મિડકેપ-બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૧.૨૦ ટકા તેમજ ૧.૮૩ ટકા વધીને બંધ રહ્યા હતા

મુંબઈ, તા. ૨ : દેશમાં લોકડાઉન હળવું થવા સાથે અર્થતંત્ર ફરી પાટે ચઢશે તેવી આશા સાથે સાર્વત્રિક લેવાલીથી મંગળવારે બીએસઈ બેન્ચમાર્ક સેન્સેક્સ ૫૨૨ પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો. શેરબજારમાં સતત પાંચમાં સેશનમાં રેલી જોવા મળી હતી. દિવસ દરમિયાન બીએસઈ સેન્સેક્સ ઉપરમાં ૩૩,૮૬૬.૬૩ અને નીચામાં ૩૩,૩૦૧.૨૯ પોઈન્ટ્સ વચ્ચે ટ્રેડ થયા બાદ ૫૨૨.૦૧ પોઈન્ટ્સ અથવા ૧.૫૭ ટકાના ઉછાળા સાથે ૩૩,૮૨૫.૫૩ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૯,૯૯૫.૬૦ અને નીચામાં ૯,૮૨૪.૦૫ પોઈન્ટ્સ વચ્ચે અથડાયા બાદ ૧૫૨.૯૫ પોઈન્ટ્સ અથવા ૧.૫૬ ટકા વધીને ૯,૯૭૯.૧૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

     બીએસઈ મિડકેપ અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૧.૨૦ ટકા અને ૧.૮૩ ટકા વધીને બંધ રહ્યા હતા. આજે એફએમસીજીને બાદ કરતાં તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. આજે બપોરે રિયલ્ટી, બેન્ક, ફાઈનાન્સ, કન્ઝ્યુમર ડ્યુરેબ્સ અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી. આજે વધીને બંધ રહેલા મુખ્ય શેરોમાં બજાજ ફાઈનાન્સ ૮.૬૪ ટકા, કોટક બેન્ક ૭.૫૬ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૬.૦૫ ટકા, એચડીએફસી ૪.૪૩ ટકા, પાવરગ્રીડ ૩.૪૬ ટકા, એક્સિસ બેન્ક ૩.૨૯ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૮૦ ટકા અને એલએન્ડટી ૧.૮૬ ટકાનો સમાવેશ થાય છે. આજે ઘટીને બંધ રહેલા મુખ્ય શેરોમાં મારુતિ ૧.૭૪ ટકા, આઈટીસી ૧.૬૯ ટકા, એનટીપીસી ૧.૨૩ ટકા, નેસ્લે ઈન્ડિયા ૦.૯૫ ટકા અને ભારતી એરટેલ ૦.૧૯ ટકાનો સમાવેશ થાય છે.

(7:41 pm IST)