Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ફલાઇટમાં હવે વચ્ચેની સીટ પર બેસવાની છૂટઃ પણ પહેરવો પડશે ફૂલ બોડી PPE સૂટ

નવી દિલ્હી, તા.૨: હવે એરલાઇન્સમાં વચ્ચેની બેઠક પર પેસેન્જર્સને બેસવા માટે છૂટ આપવામાં આવી છે. જોકે આ સાથે ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA) દરેક એરલાઇન કંપનીઓને કહ્યું છે કે વચ્ચેની સીટ પર જો પેસેન્જરને બેસાડવામાં આવે તો બેસનારને પ્રોટેકિટવ ગાઉન એટલે કે ફૂલ PPE સૂટ આપવામાં આવે. દરેક પ્રવાસીઓને થ્રી લેયર સર્જિકલ માસ્ક, ફેસ શિલ્ડ અને સેનિટાઇઝર આપવાનો નિર્દેશ કર્યો છે. ફ્લાઇટમાં પ્રવાસીઓને ભોજન અને પાણી આપવાની મનાઇ છે. બહુ જરૂરી હોય તો બીમાર વ્યકિતને આપી શકાય છે. આ આદેશ તમામ ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ ફ્લાઈટ, ચાર્ટર્ડ પ્લેન, હેલિકોપ્ટર, ભારતીય એરલાઈન કંપની કે ભારતમાં આવતી વિદેશી એરલાઈન કંપની તમામને લાગુ પડશે.

DGCAએ કહ્યું કે એક જ પરિવારના સભ્યો સાથે બેસી શકે છે. ત્રણ સભ્યોનો એક પરિવાર હોય તો મિડલ સીટનો નિયમ લાગૂ થતો નથી. મુંબઇ હાઇકોર્ટે અમુક દિવસો પહેલા કહ્યું હતું કે વંદે ભારત મિશન અંતર્ગત વિદેશોથી આવતી ફ્લાઇટ્સમાં વચ્ચેની સીટ ખાલી રાખવામા આવે. એર ઇન્ડિયા અને સરકારે તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે માત્ર ૭ જૂન સુધી મિડલ સીટ બુક કરવાની મંજૂરી હશે. ત્યારબાદ મુંબઇ હાઇકોર્ટનો આદેશ માનવો પડશે. તે દરમિયાન DGCA ઇચ્છે તો નિયમોમાં બદલાવ કરી શકે છે.

ત્યારબાદ એ સવાલ ઉભા થયા હતા કે ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં મિડલ સીટને લઇને કયો નિયમ લાગૂ થશે. સરકારે ૨૫મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરી હતી. મિડલ સીટ બુકિંગ મામલે મુંબઇ હાઇકોર્ટ મંગળવારે ફરી સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને કહ્યું હતુ કે દરેક પક્ષોની વાત સાંભળીને અંતરિમ આદેશ જાહેર કરવામા આવે. જોકે આ મામલો ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ અંગેનો હતો. સવાલ એ હતો કે શું ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં આ નિયમ લાગૂ પડશે, કારણ કે સરકારે ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં મિડલ સીટ બુક કરવાની મંજૂરી આપી હતી.

(4:05 pm IST)