Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

દક્ષિણ ગુજરાતમાં 'નિસર્ગ'ની અસર શરૂ : વાપીના વાલોડમાં બે ઈંચ

નવસારીના ૪૨ ગામો એલર્ટ : દરિયા કિનારાના ૭ ગામોમાંથી લોકોનું સ્થળાંતર : દરિયો તોફાની બને તે પહેલા જ તંત્રની કામગીરી ચાલુઃ લોકોએ સ્વેચ્છાએ જ સ્થળાંતર થઇ જવા તંત્રની અપીલ

સુરત : નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ગઈસાંજથી અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપી જીલ્લાના વાલોડમાં ૬૦ મિલીમીટર એટલે કે બે ઇંચથી પણ વધારો નોંધાયો છે. તો ભાવનગર શહેરમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમરેલીના ધારીમાં પણ એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સુરતના મહુવામાં પણ આશરે એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. અમરેલીના લીલીયામાં ૨૦ મીલીમીટર વરસાદ પડ્યો છે.

ખેડા જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જીલ્લામાં પવન સાથે અનેક વિસ્તારોમાં ચોમાસાનો પ્રારંભ થયો છે તો મહિસાગર જિલ્લાના ખાનપુર પંથકમાં ધોધમાર વરસાદ સાથે અન્ય વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ નોંધાયો છે. નવસારી જીલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જીલ્લાના ૪૨ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગણદેવી તાલુકાના ગામો અને જલાલપોર તાલુકાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જીલ્લામાં ૧ એનડીઆરએફની ટીમ, ૧ એસડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે.તાપી જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ, દાહોદ જિલ્લામાં સંજેલી, ફતેપુરામાં મધરાત્રે મેઘરાજાની પધરામણી થઈ હતી. વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ આવ્યો છે.

(4:01 pm IST)