Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કોરોના સંક્રમિત ૪૦ ટકા બાળકોના પેટમાં ઇન્ફેકશન : તેઓ હાથ સાફ કરતા નથી

માતાપિતાને સલાહ કે તેઓ બાળકોના હાથ વારંવાર સાફ કરાવે

નવી દિલ્હી, તા. ર : કેન્દ્ર સરકાર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ની ગાઇડલાઇન મુજબ ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકો સિવિયર કેટેગરીમાં છે. એવા બાળકોમાં કોરોના વાઇરસનો ખતરો વધુ છે. તેથી ગાઇડલાઇનમાં સ્પષ્ટ કહેવાયું છે કે એવાં બાળકોએ ઘરથી બહાર નીકળવાથી બચવું જોઇએ. નિષ્ણાતો કહે છે કે બાળકોને એટલે ખતરો વધુ છે, કેમ કે તેમનો ઇમ્યુનિટી પાવર ઓછો હોય છે.

જયપુર સ્થિત જેકે લોન હોસ્પિટલના ડોકટર અશોક ગુપ્તા કહે છે કે ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં કોરોનાના લક્ષણો અન્ય દર્દીઓની સરખામણીએ થોડા અલગ આવી રહ્યાં છે, તેમાં તાવ-શરદી-ખાંસી, ચક્કર આવવા, પેટમાં દુખાવો, ઉલટી જેવા લક્ષણો સામેલ છે. ૪૦ ટકા કેસમાં બાળકોના પેટમાં ઇન્ફેકશન સામે આવી રહ્યું છે.

ડો. અશોક કહે છે કે બાળકોને કોરોનાનું ઇન્ફેકશન એટલે વધુ થઇ રહ્યું છે, કેમ કે નાના બાળકોને હાથ ધોવા કે સેનેટાઇઝ કરવા અંગે કંઇ જાણ હોતી નથી. બાળકો રમતા પણ વધુ હોય છે તેથી તે જમીનના સંપર્કમાં વધુ આવે છે. આ કારણે બાળકોના હાથમાં સંક્રમણ આવી જાય છે. મોટા લોકો સમજદાર હોય છે. તેથી તેઓ આ બધી બાબતો પ્રત્યે જાગૃત રહે છે. તેથી જેમના બાળકો નાના છે તે માતા-પિતાને વધુ એલર્ટ રહેવાની જરૂર છે.

માતા-પિતાએ બાળકોને ઘરમાં ફીટ રહેતા શીખવવું જોઇએ. અત્યારે મોટા ભાગની સ્કૂલ અને પાર્ક બંધ છે. તેથી બાળકો બહાર નીકળી શકતા નથી. બાળકોને એવા કેટલાક કામ શીખવો, જે શીખવાની તેમણે જરૂર છે. બાળકોને ટીવી પ્રોગ્રામના માધ્યમથી સામાન્ય જ્ઞાન વધારો, બાળકોની સ્ટ્રેન્થ મજબૂત કરો. બાળકોમાં બચતની સેન્સ ડેવલપ કરો. બાળકોને ફેમિલી વેલ્યૂ શીખવો. બાળકોને તમારી સાથે રહેવા દો. બાળકો બોર થાય તે પણ જરૂરી છે. તેનાથી તેમની ક્રિયેટિવીટી પણ ખીલશે.

(3:54 pm IST)