Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

આતંકવાદ વિરોધી અભિયાનનો ધમધમાટ

સીઆરપીએફને ૪૦ હજાર બુલેટ પ્રુફ જેકેટ, ૧૭૦ બુલેટપ્રુફ ગાડીઓ અને ૮૦ મારૂતી જીપ્સી અપાઇ

નવી દિલ્હી,તા.૨: કાશ્મીર ખીણમાં આતંકવાદ વિરોધી અભિયાનનો અને વિભીન્ન રાજ્યોમાં નકસલવાદીઓ વિરૂધ્ધ કાર્યવાહીમાં ઉપયોગ માટે કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળ (સીઆારપીએફ)એ ૪૦,૦૦૦ હજારથી વધુ બુલેટપ્રુફ જેકેટ અને ૧૭૦ બખ્તરબંધ વાહનો ઉપલબ્ધ કરાવાયા છે. અધિકારીઓએ આ માહિતી આપી છે.

તેમણે કહ્યું કે, કેન્દ્રિય અર્ધ સૈનિક દળને ૮૦ મારૂતી જીપ્સી પણ ઉપલબ્ધ કરાવાઇ છે. જેમાં બખ્તર બંધ સુવિધા આપવામાં આવી છે. આનાથી જવાનોનો ગોળીઓ, ગ્રેનેડ હુમલા અને પથ્થરમારા દરમ્યાન બચાવ થઇ શકશે. એક સીનીયર અધિકારીએ જણાવ્યું કે આ દળ માટે ૧૭૬ મધ્યમ બુલેટપ્રુફ વાહનને મંજુરી અપાઇ છે અને તેમાંથી દરેકમાં ૫ થી ૬ સશસ્ત્ર જવાનો બેસી શકશે.

તેમણે કહ્યું કે, આ વાહનો ગ્રેનેડ હુમલા અને ગોળીઓથી બચાવ કરી શકે છે. આ વાહનોને કાશ્મીર ખીણમાં આતંકવાદ વિરોધી અભિયાન અને નકસલ પ્રભાવિત રાજ્યોમાં જવાનોને ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત ૪૨ હજાર હળવા બુલેટપ્રુફ જેકેટો આ સૌથી મોટા અર્ધ સૈનિક દળને ઉપલબ્ધ કરાવાયા છે. આ જેકેટ પહેલાના જેકેટો કરતા ૪૦ ટકા હળવા છે.

(2:45 pm IST)