Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કમોસમી વરસાદ અને પોઝીટીવ ડીપોલથી તીડનું પ્રજનન વધ્યુઃ દેશના ૧૨ રાજયોમાં નુકશાન

આફ્રિકામાં ૨૦૧૮માં તીડના હુમલા નોંધાયેલ, જે ૨૦૧૯માં ખુબ જ વધેલઃ આ વર્ષે સોમાલીયાએ ફેબ્રુઆરીમાં અને પાકિસ્તાને બે વાર ઈમરજન્સી જાહેર કરી : તીડ ભારતમાં ખરીફ પાકની સીઝન દરમિયાન જુનથી નવેમ્બર સુધીમાં ત્રાટકે છેઃ આ વર્ષે માર્ચ- એપ્રીલથી કહેર વરસાવ્યો

નવીદિલ્હીઃ દેશમાં કોરોનાના કારણે હાલત ખરાબ છે. ત્યારે રણના તીડનો પણ ઉપદ્રવ ઉભો થયો છે. અત્યાર સુધીમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા અને યુપીમાં પ્રકોપ વરસાવ્યો છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના રસ્તે આવેલ તીડના ઝુંડોએ તબાહી મચાવી છે.

હિન્દ મહાસાગરના ગરમ થવાની રીતને ઈન્ડીયન ઓશીયન ડીપોલ કહેવામાં આવે છે. જે અંતર્ગત પૂર્વીય અને પશ્ચિમ ભાગોમાં અલગ- અલગ તાપમાન હોય છે. જેથી ભારત અને પશ્ચિમ એશીયામાં થતા વરસાદ ઉપર અસર પડે છે. જો પશ્ચિમી ભાગ પૂર્વ કરતા એક ડિગ્રી વધુ ગરમ હોય તો પોઝીટીવ ડીપોલ કહેવાય છે. ગયા વર્ષે વધુ વરસાદના કારણે સુકી માટીવાળા વિસ્તારોમાં પણ ભેજની સ્થિતિ બની રહેતા તીડના ઝુંડોના પ્રજનન માટે સહાયક બનેલ. ૨૦૧૮માં પણ આવી જ સ્થિતિ આફ્રિકામાં હતી જેથી ત્યાં તીડના હુમલા નોંધાયેલ. જે ગયા વર્ષે ખુબ જ વધી ગયેલ. તીડના ઝુંડને સહાયક પવનના કારણે ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતમાં તેમની હાજરી અને પ્રજનનની સ્થિતિ બનેલ.

સોમાલીયાએ પણ ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં તીડના હુમલાના કારણે ઈમરજન્સીની જાહેરાત કરેલ. જયારે પાકિસ્તાને તો ૨૦૨૦માં બે વખત ઈમરજન્સીની જાહેરાત કરી છે. આ વર્ષે માર્ચની શરૂઆતમાં જ વરસાદ પડતા તીડને પ્રજનનમાં મદદ મળેલ.

ભારતમાં તીડના હુમલા સામાન્ય રીતે ખરીફ પાકની સીઝન દરમિયાન જુન થી નવેમ્બર વચ્ચે થાય છે. પણ આ વખતે જુન પહેલા જ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ૫૦ હજાર હેકટરમાં તીડના ઝુંડોએ નુકશાન કરી નાખ્યું છે. હાલ આ ઝુંડ અંફાન વાવાઝોડાના કારણે પૂર્વ અને મધ્ય રાજયો તરફ ફંટાય ગયા છે પણ જુલાઈમાં ફરી રાજસ્થાન આવે તેવી શકયતા છે.

(2:43 pm IST)