Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

પુલવામા કારબોંબ ષડયંત્રમાં મસુદ અઝહરનો સગા ઈસ્માઈલ લંબુની સંડોવણીઃ જૈસનો પ્રમુખ છે

નવી દિલ્હી, તા. ૨ :. પાછલા દિવસોમાં પુલવામાના આયનગુંડ વિસ્તારમાં કારબોંબ વિસ્ફોટના નિષ્ફળ પ્રયાસના ષડયંત્રની શરૂઆતની તપાસમાં મસુદ અઝહરનો સગો ઈસ્માઈલ લંબુ સંડોવાયેલો હોવાનું બહાર આવી રહ્યુ છે. ઈસ્માઈલ લંબુ કાશ્મીરમાં જૈસ એ મોહમ્મદનો વર્તમાન પ્રમુખ છે. તેણે ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના હુમલામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મામલા સાથે જોડાયેલા આતંકવાદી વિરોધી દળના અધિકારીએ આ જાણકારી આપી હતી.

અધિકારીએ જણાવ્યુ કે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ) આ તપાસને તુરંત જ પોતાના હાથમાં લઈ શકે છે. કેન્દ્રીય એજન્સી ગયા વર્ષના હુમલામાં પણ ઈસ્માઈલ લંબુને શોધી રહી છે. ૨૦૧૮ના અંત ભાગમાં ભારત આવેલા લંબુને ઈસ્માઈલભાઈ અને ફૌજીબાબા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે મુદસ્સીરખાન, ખાલીદ અને મોહમ્મદ ઉમર ફારૂકને ગયા વર્ષે પુલવામા હુમલામાં મદદ કરી હતી. તેણે સ્થાનિક દુકાનોમાંથી જિલેટીન અને નાઈટ્રેડ જેવા સામાનની વ્યવસ્થા કરી હતી.

ભારતીય સુરક્ષા દળોના હાથે કારી મુફતી યાસીર માર્યો ગયો હતો. ત્યાર બાદ ઈસ્માઈલ લંબુએ કાશ્મીર ઘાટીમાં જૈસની કમાન સંભાળી હતી. ઈસ્માઈલ એક આઈડી એકસપર્ટ છે અને ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના હુમલા માટે તેણે કારમાં બોંબ ફીટ કરવામાં બીજા બોંબ બનાવવાવાળા આતંકીઓની મદદ કરી હતી. ઈસ્માઈલનો જુનીયર સમીર અહેમદ ડાર પણ ગયા વર્ષના આત્મઘાતી કારબોંબ ધમાકામાં સામેલ હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થઈ ગયા હતા. આ હુમલાના થોડા દિવસો પછી જ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી કેમ્પો પર બોંબનો વરસાદ કર્યો હતો.

(2:43 pm IST)