Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ભારતના લાઇન ઓફ કંટ્રોલ નજીક ચીને લશ્કર ધકેલી દીધુ છેઃ યુએસએ

અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પીયોના આકરા પ્રહારો : ઉત્તર ભારતની સરહદે સતત લશ્કર વધારી રહેલ છેઃ સત્તા ભુખ્યા શાસકની જેમ ચીન વર્તી રહયુ છે

વોશીગ્ટન : અમેરિકન વિદેશ પ્રધાન માઇક પોમ્પીયોએ સોમવારે કહયું હતું કે ચીન અસલી સત્તાવાદી શાસન જેવી હરકતો કરી રહયું છે.  તેમણે કહયું કે સતાવાદી શાસનની જેમ પગલા લેતા ચીને પોતાની સેનાને ભારતની લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલની નજીક  મોકલી દીધી છે. તેમણે ''પોડકાસ્ટ વોટ ધ હેલ ઇઝ ગોઇંગ ઓન''માં વાતચીત દરમિયાન કહયું કે અમે સતત જોઇ રહયા છીએ કે ચીન ઉત્તર ભારતની સરહદની એલઓસી નજીક પોતાના સૈન્યની ઉપસ્થિતિ વધારી રહયું છે.

ચીન પર હુમલો કરતા પોમ્પીયોએ કહયું કે ચીન કોરોના વાયરસથી ફેલાયેલી મહામારી બાબતે દુનિયાભરમાં પોતાની ભુમિકા નિભાવવામા઼ મોડુ કરતુ રહયુ છે. હોંગકોંગમાં તે લોકોની સ્વતંત્રતા પર હુમલો કરી રહયું છે. તેમણે કહયું કે ચીની સામ્યવાદી  પક્ષના પગલાઓ તેનો અસલી ચહેરો દેખાડી રહ્યા છે. તે દક્ષિણ ચીની સાગરમાં પોતાની ઉપસ્થિતિ વધારી રહયું છે તે જે કંઇ કરે છે તેની અસર ફકત ચીની લોકો અથવા હોંગકોંગમાં લોકોને જ નહી પડે આખી દુનિયાને  થશે.

એક પ્રશ્નના ઉતરમાં તેમણે કહયું કે, આ પગલાઓ સહિત ભારતની સરહદે ચીન જે કરી રહયુ છે તે હંમેશા આવુ કરે છે તેમણે કહયું કે આ કંઇ છેલ્લા છ મહિનાની વાત નથી અમે જોયુ છે કે ચીન છેલ્લા ઘણાં વર્ષોથી પોતાની સૈનિક ક્ષમતા વધારી રહયુ છે અને બહુ આકરા પગલા લઇ રહયું છે. આ જ પ્રમાણે તે દુનિયાભરમાં ઘણી જગ્યાઓએ બંદરો અથવા બેલ્ટ અથવા તો રોડની ઇનીશીયેટીવ ચલાવી રહયુ છે. એ પણ એવી જગ્યાઓ પર જયાં તે પોતાના નેવીની ઉપસ્થિતિ વધારી શકે. અમે સતત તેને પોતાની સૈનિક ક્ષમતા વધારતા જોઇ રહયા છીએે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલક અઠવાડીયાઓમાં લદાખ અને ઉત્તર સિક્કીમના ઘણા વિસતારોમાં ચીની અને ભારતીય સૈન્યની ઉપસ્થિતિ વધી છે. જેનાથી બંન્ને દેશોની સેનાઓ વચ્ચે તંગદિલી સામે આવી છે.

(2:42 pm IST)