Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

સુપ્રિમ કોર્ટમાં પ્રથમ વખત ફાઈલોનો ઉપયોગ કર્યા વગર ન્યાયાધીશો અને બેંચો દ્વારા લેપટોપનો ઉપયોગ કરાયો

જૂની પ્રણાલીને બદલે ઈ-ફાઈલીંગ - વિડીયો કોન્ફરન્સીંગનો ઉપયોગ વધ્યો

નવી દિલ્હી, તા. ૨ :. સુપ્રિમ કોર્ટના ઈતિહાસમાં પ્રથમ વખત કાગજી કાર્યવાહી જેવી કે, મોટી મોટી ફાઈલોનો ઉપયોગ કરવાના બદલે ત્રણ જજોની બેંચ દ્વારા લેપટોપ ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી. જસ્ટીસ ડી. વાય. ચંદ્રચુડ, હેમંત ગુપ્તા અને અજય રસ્તોગીની કોર્ટમાં સોમવારે લેપટોપનો ઉપયોગ કરીને ફાઈલોનો ઉપયોગ કર્યા વગર વિડીયો કોન્ફરન્સથી સુનાવણી કરી હતી.

તાજેતરમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી બોબડે દ્વારા દેશભરમાં ઈ-ફાયલીંગ શરૂ કર્યુ છે. જેમાં જૂના રીતરીવાજ મુજબ અરજીઓ દાખલ કરવામાં નથી આવી રહી. સામાન્ય રીતે આવી કાર્યવાહી દરમ્યાન ન્યાયાધીશોને ભારેખમ ફાઈલ અને દસ્તાવેજો જોવા પડતા હતા. હવે ટેકનીકલ ઉપયોગ વધી જવાના કારણે ટેબલ ઉપર ફાઈલોના ઢગલાઓ જોવા મળતા નથી.

જસ્ટીસ ચંદ્રચુડ દ્વારા આ રીતનો ઉપયોગ શરૂ કરાયો હતો અને તેમની અધ્યક્ષતામાં આ અંગે એક કમિટીની પણ રચના કરવામાં આવી છે. આવી કાર્યવાહીથી સમયની બચત થઈ રહી છે. દેશમાં કોરોનાનો વ્યાપ વધવાના કારણે થયેલા લોકડાઉન દરમ્યાન સુપ્રિમ કોર્ટમાં વિડીયો કોન્ફરન્સથી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

(11:21 am IST)